પપ્પા.... !!!
શું લખું હું તમારા માટે ?
પપ્પા,
તમારી સાથેનો એક પણ ફોટો મળતો નથી ..પણ આજે તમારો ચહેરો આંખો સામે છવાઈ રહ્યો છે જે આ અશ્રુના કારણે થોડો ધૂંધળો દેખાય છે...
પપ્પા,
નાનપણમાં જોયેલો તમારો ગુસ્સો યાદ છે, તો સ્કૂલમાં રજા પડાવીને બહાર લઇ જવાનું, પિક્ચર દેખાડવાનું, હરવા-ફરવાનું અને લાડ કરાવતા એ પણ એટલું જ યાદ છે...
પપ્પા,
તમારું ભોળપણ તમે મને કેમ આપ્યું? તમારો સમય એવો હતો કે બધું ચાલી ગયું, પણ હાલમાં આ ભોળપણ એક ખામીની નિશાની બની ગઈ છે...
પપ્પા,
મને યાદ છે અમારા ભાઈ/બહેનોમાં હું સૌથી નાની અને મારા જન્મ વખતે તમે મને પથરા સાથે સરખાવી હતી.. પણ ટૂંક સમયમાં આજ પથરો તમારી લાડકી બની ગઈ હતી...
પપ્પા,
મને યાદ છે મારા લગ્નનો ખર્ચો કેમ નીકળશે એ ચિંતામાં તમને હૃદયરોગનો હુમલો આવેલો ... ત્યારે મારા થનાર બીજા પપ્પા , મારા સસરા એ કેટલો સુંદર સધિયારો આપેલો...
પપ્પા,
વિદાય વખતે બાથ ભીડીને જેટલું રડી હતી એટલું કદાચ તમારા મૃત્યુ વખતે નહોતી રડી કારણ કે તમે હજારો જોજન દૂર પરદેશમાં બીમાર હતા અને કદાચ એકાદ વરસથી ખબર હતી કે તમે અમને ટૂંક સમયમાં છોડીને જવાના છો...
પપ્પા,
તમારો છેલ્લો અવાજ મારા કાનમાં ગુંજે છે " સોની, તું જલ્દી આવીશને મને મળવા" ત્યારે મેં કીધું હતું કે હું 15 દિવસમાં આવું છું. રાત્રે વાત કરી ત્યાં તો તમે સવારે અમને છોડીને જતા રહ્યા.. તમે રાહ પણ ના જોઈ કે પછી હું જ સંસારમાં અટવાયેલી રહી...
પપ્પા,
તમે મારી પાસેથી લીધેલું વચન કે
" તમને કાંઈ થાય તો મમ્મીને ઇન્ડિયા લઇ જજે, તારી પાસે રાખજે."
બસ તમને યાદ કરીને આ વચન પાળું છું...
લિખિતંગ:
તમારી લાડકી
સોની
#મારીરચના