સંવેદના થી વેદના
કેમ છો? મજામાં? મારી ઓળખાણ પડી ? નહિ ને..ચાલો..હું જ મારી ઓળખાણ આપું.. હું બેંચ નંબર-૫ .બેંચ એટલે કોઈ સ્કુલની બેંચ નહિ...પણ એક સુંદર બગીચાની બેંચ નંબર-૫.
આ મોટા બગીચામાં આમ તો મારા જેવી ઘણી બેંચ છે. પણ હું ખાસ.. કારણ કે ફક્ત અહીંથી જ આખો બગીચો દેખાય. દરરોજ અહીં અલગ અલગ ઉંમરના લોકો આવતા અને એ લોકોની વાતો , સુખ દુઃખમાં સહભાગી પણ હું જ..
જેમ કે દરોરજ સવારે મોર્નીગ વોક લઈને બે કાકા મારી પાસે જ બેસતા. અને અલકમલકની વાતો કરતા. પોતાના જુના દિવસો યાદ કરતા, શેરબજારની વાતો કરતા અને એકબીજાને નવા સ્માર્ટફોનમાં કંઈક નવું શીખવાડતા.
તો બપોરે ક્યારેક નજીકની મેડીકલ કોલેજમાંથી થોડો સમય ચોરીને એક યુવક-યુવતી આવતા.. એમના નિર્દોષ પ્રેમ, મીઠી તકરાર, રીસામણા, મનામણાની સાક્ષી પણ હું જ.
અને સાંજે બગીચામાં રમતા નાના નાના ભૂલકાની દોડાદોડી, તો કોઈક બાળકના ત્રાગા પણ મેં જોયા છે. ખૂબ જ સુંદર દિવસો જોયા છે મેં.
પરંતુ છેલ્લા એકાદ વરસથી હું સાવ એકલી પડી ગઇ છું. કોઈ મારી પાસે બેસવા નથી આવતું. ક્યારેક રખડતું એકાદ કૂતરું આવે છે. દિવસમાં બે વખત ઝાડપાન ને પાણી પાતો માળી પણ નથી દેખાતો. કોઈક પાસેથી સાંભળ્યું છે કે એ પોતાને ગામ જતો રહ્યો છે.
હાલમાં તો આ બગીચામાં હીંચકાનો કિચુંડ કિચુંડ અવાજ બંધ છે. નાના ભૂલકાઓની દોડાદોડી, એમનો કલરવ સાંભળવા હું તરસું છું.
થોડા મહિના પહેલા સમી સાંજે પેલો યુવક એકલો જ આવેલો.. હાથમાં એક ફોટો જોતા જોતા ખૂબ જ રડતો હતો. મેં ધ્યાનથી જોયું તો ડો. ના ડ્રેસમાં પેલી યુવતી, તેની પ્રેમિકા જ હતી. શું થયું હશે એને?
અને ગયે અઠવાડિયે પેલા કાકા આવ્યા હતા, એકલા જ , બસ થોડીવાર બેસવા જ. કોઈની સાથે ફોનમાં વાત કરતા હતા. મોઢા પર માસ્ક હતું એટલે અસ્પષ્ટ શબ્દોમાં સાંભળ્યું કે એમના પેલા મિત્ર બહુ જ સિરિયસ છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. વેન્ટિલેટર ઉપર છે.
આમ તો દર વર્ષે ચોમાસા પછી અમારા રંગરોગાન થાય ,રીપેરીંગ થાય, પણ આ વખતે એ પણ નથી થયું. કોઈકના પાયા હચમચી ગયા છે, કોઈક નો રંગ ઉખડી ગયો છે તો કોઈના હાથાનું લાકડું સડીને ખોખલું થઈ ગયું છે. જાણેકે અમે પણ વેંટીલેટર પર છીએ અને ગમે ત્યારે ટપકી પડીશું. બસ મને કોઈક તો જણાવો આ શું થઈ રહ્યું છે? ક્યાં ગયા મારા આનંદદાયક દિવસો? મને એ દિવસો પાછા આપો.. પાછા આપો...
#મારીરચના