મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છું...
તું ડગ ભરવાની હિમ્મત કર, ઊતરતા ઢાળ જેવો છું,
મનાવી લે મને, હું સાવ નાના બાળ,જેવો છું.
આ દરિયાની ગહનતા માપવાનું સાવ છોડી દે,
તું મારામાં ઊતર,હું સાતમા પાતાળ જેવો છું.
મને માણીજો પારાવાર શીતળતાના સંદર્ભે,
હું કડવો છું પરંતુ લીમડાની ડાળ જેવો છું.
ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.
હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.
એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.
-RIP GUJARATI POET Khalil Dhantejvi