એક નાનકડી વાર્તા કહું જે મેં નાનપણમાં વાંચેલી.
એક વખત એક ચકલીનું બચ્ચું ઈંડામાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યું હતું. એક નાનો છોકરો તેને જોઈ રહ્યો હતો. એને દયા આવી ગઈ. એણે ધીમેથી એ ઈંડાની કાચલી તોડી નાંખી. બચ્ચું બહાર આવી ગયું. પરંતુ આ શું? અડધા જ કલાકમાં એ બચ્ચું મરી ગયું.
એ છોકરાને ખૂબ દુઃખ થયું, સાથે આશ્ચર્ય પણ થયું કે આવું કેવી રીતે શકય છે? આ આખી ઘટના એ છોકરાના પડોશમાં રહેતા એક દાદાએ જોઈ. તેઓ ધીમેથી એ છોકરા પાસે ગયા અને કહ્યું, "બેટા, આ કુદરતની ગોઠવણ છે કે પક્ષીઓનાં બચ્ચા જાતે જ કાચલી તોડીને બહાર આવે. તો જ તે જીવિત રહી શકે. આને બહાર આવવામાં તેં મદદ કરી એટલે એની પાંખો અને શરીર નબળા રહી ગયા, જેને લીધે તે મૃત્યુ પામ્યું."
ટૂંકમાં, કહેવાનું એટલું જ છે કે સંઘર્ષ વિનાનું જીવન શક્ય નથી. જીવનભર સંઘર્ષ તો કરતાં જ રહેવું પડશે. શીખવાનું છે હસતાં મોંએ એનો સામનો કરી એમાંથી પાર ઉતરવાનું. સંઘર્ષ પછી મળેલ સફળતા વ્હાલી પણ લાગે અને પચાવી પણ શકીએ. સંઘર્ષ આપણું મનોબળ મજબૂત બનાવે છે.
બાળક નાનું હોય છે ત્યારે એ દરેક બાબતમાં ગભરાઈ જતું હોય છે, પરંતુ એને જો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો એ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ બને છે.
જીવન સંઘર્ષ ચાલ્યા કરે, ન હાર માનીએ,
આવે તકલીફો તો હસતાં મોંએ આવકારીએ.
સંઘર્ષ થઈ જશે અદ્રશ્ય અને સામે આવશે ઉપાયો.
સુખથી ન છકી જઈએ, દુઃખથી ન ગભરાઈએ.