પ્રેમ વિષે લખું.
વિચાર થયો ચાલ પ્રેમ વિષે કહું,
પણ કલમ કહે હું કૃષ્ણ લખું.
લાલ રંગનું હાર્ટ દોરી એમાં તીર દોરું,
એ પહેલા મોરપિચ્છ દોરી એમાં રંગ ભરું.
ગુલાબ તોડી એની સુંદરતા કેમ હણું,
વાંસલડી સાંભળી સરસ શુકન કરું.
વિચાર થયો ચાલ પ્રેમ વિષે કહું,
પણ કલમ કહે હું કૃષ્ણ લખું.
લૈલા મજનું હીર રાંઝાની વાત કહેવાય ?
પ્રેમ એટલે કૃષ્ણ રાધા, એમાં બધું સમાય,
મીરાં,રાધા, સખીના પ્રેમને સ્મરું,
છે કાન્હામાં જ બધું, તો વેલેન્ટાઈન કેમ લખું ?
વિચાર થયો ચાલ પ્રેમ વિષે કહું,
પણ કલમ કહે હું કૃષ્ણ લખું.
યાદ એમને પણ હોય જે યાદ ન કરે,
ઈચ્છા મળવાની હોય પણ પ્રયાસ ન કરે,
પાંપણની પેલે પાર તારા દર્શન કરું,
પ્રેમ માં વિશ્વાસ,લાગણી હોય એટલું ઘણું.
વિચાર થયો ચાલ પ્રેમ વિષે કહું,
પણ કલમ કહે હું કૃષ્ણ લખું.
અશોક ઉપાધ્યાય