અજાણ એવું શું થઇ રહ્યું આજે મારા થી અજાણ?
જાણવા મથું છું ને થઈ જાય બધું ભેળસેળ....
આંખોની ભીનાશ માં તરવા કે ડૂબવાની મથામણ ...
ત્યાં કિનાર પર કોણ રોકે જાણીતી નજર?
હરખના આંસુ કે આંસુ નો હરખ?
હૃદય શા માટે ચહે પારખવા આંસુ નો આશય?
સઘળું પામી લવું કે સઘળું ત્યાગી દઉં?
દ્વિધામાં અટવાયેલું મન કે મનમાં ઉગેલી દ્વિધા?
પ્રતિદિન સ્વપ્નો સાચાં થવાની પ્રાર્થના તો પછી....
પ્રાર્થના વિશે શીદને શંકા સાચી કે આભાસી?