સમજણમાં જ સુખ છે. પછી ભલેને, હાથમાં # MI હોય, APPLE હોય કે ચંપલ,,૨૦૦૦ ની સાલની આસપાસ અમારી સગાઇ વખતે MI તો શું,, અમારા ગામમાં લેન્ડ લાઈનના ગણ્યાગાંઠ્યા ડબલા જ હતાં. મોબાઇલ આવી ગયા હતા પરંતુ ઇન કમિંગ દર ઊંચા હોવાથી કોઈ લેતું નહીં. હા , ગણ્યાગાંઠ્યા પેજરો પાટલૂન ના નેફે ટીંગાવા મંડ્યા હતા. જમાનો BSNL નો હતો, અને એ પણ PP નંબર, PP નંબર નું પૂરું નામ તો " PRIVATE PARTY" થાય, પણ અમે " પડોશી પરેશાન" થાય એવું કહેતા. સગપણ થયા પછી સાસરીમાં ફોન કરો એટલે બાજુવાળા બેન બાઈ માણસને બોલાવી દેતાં. સગપણ વાળું યુગલ ફોન પકડીને ઘણીવાર સુધી મીઠીમીઠીવાતોકરતા,મતલબકે અમે પારકા નંબર પણ પ્રેમનો અહેસાસ કરી શકતા. એક વાર અચાનક ફોનમાં કુકરની સીટી સંભળાણી, ત્યારે ખબર પડી કે ઘરધણી બેન પણ રસોડામાં કોર્ડલેસ ફોન કાને રાખી અમારી મધમીઠી વાતોમાં થી રહ ના ઘૂંટડા ભરતા હતા,આતો અમારા અનુભવમાંથી નીકળેલી આનંદ મજાકની વાત છે, પરંતુ આનાથી પણ એક જમાનો કંઈક જુદો હતો.૧૯૮૦ થી ૧૯૯૦ દરમિયાન ગામડામાં લેન્ડલાઈન ફોન ન હતા.એ સમયે ટપાલથી પણ વાતને છાની રાખવા વાદળી કલરના અંતરદેશી કવરનો ઉપયોગ થતો હતો.સગપણ થયેલા નવયુગલો મધમીઠી વાતો માટે આંનો નો ઉપયોગ કરતા. લાગણી ભીના શબ્દો આ કવરમાં ઠાંસી ઠાંસીને ભર્યાં હોય ત્યાર બાદ ત્રણે બાજુથી ઘઉંના લોટનો ગુંદર બનાવીને ચોપડી દેતા, અને મથાળે લખતા "કંચન"સીવાય કોઈ ખોલશો નહીં. અંતરદેશી કવરમાં મધમીઠી વાતો ના અંતે વિનંતી ના શબ્દોમાં લખ્યું હોય તો કંચન ને માલૂમ થાય કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે જડેશ્વર ના મેળામાં આવે, અને તું મારી વાટ જોઈને મંદિરના પાછળના પગથિયે બેહજે, મેં લાલ રંગના ચોગઠા વાળો બુશકોટ પેયરો હશે, મંદિરમાં આપણે એકબીજાને ગોતી લેશું. આટલું વાંચી કંચન,,,,,,, કાનજી ના વિચારો માં ખોવાઈ જતી,,,,,, જેવો શ્રાવણ મહિનો આવે એટલે કંચન મેળા ના બહાને નવા બસ સ્ટેન્ડ થી મેળા ની બસમાં બેહી જાય.
મંદિરમાં જડેશ્વર દાદાના દર્શન કરી, પગથિયે બેસી કંચન ગોતવા મંડે લાલ ચોકડા વાળા બુશકોટ પહેરેલા પોતાના સ્વામી કાનજીને,,,,, અબ ઘડી ભરથાર ને જોઈ લવ એવી કુતુહલતા જાગતી,,,,,,છેટે થી ભીડ માં ઊભેલો કાનજી હાથ ઊંચો કરે કે કંચન ના નેણ નીચા થઇ જાતા, ત્યારબાદ ગયા જન્મમાં છુટા પડેલા બે આત્માનું મિલન થાય. મંદિર ની બાજુ ના ટેકરા માં બેસી લીલી મગફળી અને મકાઈના ડોડા ખાતા ખાતા શરમાણ કંચન નેણ નીચી રાખી પૂછે,,,,,,,, મારી હાયરે એક ફોટો પડાવશો ,,,,,,,,? પતિ પરમેશ્વર ની સંમતિ સાથે બેય માણાહ બપોર પછી વિજય ટોકીજ પાસે આવેલા કુમાર સ્ટુડિયોમાં જાય, ફોટાવાળા ભાઈ પણ સમજી જાય કે નવી જોડી છે. તરત જ એક ટેબલ ઉપર ફૂલદાની અને બાજુમાં વાયર વગર નું ટેલિફોનનું ડબલુ મૂકી દયે,,,,,મશયા રંગના બોલબેટમ પાટલૂન માં સજ્જ કાનજી અને ચણીયા ઉપર હાફ બાઇ ના બુસ્કોટ ઉપર "રેખા સ્ટાઇલના" બો પટ્ટી બાંધેલા બે ચોટલા આગળ રાખી ફોટો પડાવી પછી બંને જણા પ્રફુલ ભજીયા માં ભજીયા ખાવા જાય. આવી રીતે કંચન અને કાનજી નું મિલન થતું, પરંતુ પરસ્પર કોઈ એવું ન પૂછતા કે સ્લીપર "બાટાના"પહેર્યા છે કે "રાજદૂત ના"!!!!!!!!!
જગતના ભૌતિક પદાર્થો ને બાજુમાં મૂકી આંખો સામે જ નજર રહેતી, આજ સાચો પ્રેમ હતો,, માણસ ગુણ થી મહાન છે, રૂપ અને પદાર્થોથી નહીં.એટલે જ હે માનુનીઓ,, તમે મન મોટું કરી, અપેક્ષા ઓછી રાખો,I PHONE નો હોય તો શું થયું,,,MI પણ સારી જ કંપની છે.