તો લખ ગઝલ!
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
કાળજું કોરાય છે? તો લખ ગઝલ!
માંહ્યલો મૂંઝાય છે? તો લખ ગઝલ!
સાવ તો સ્હેલું નથી લખવું અહીં,
દલડું જો દંડાય છે? તો લખ ગઝલ!
વાત છેટી રાખવી થાકી જવું, હેતથી હંફાય છે? તો લખ ગઝલ!
ડૂબવાનું હોય છે ઊંડાણમાં, રોમ પણ રૂંધાય છે? તો લખ ગઝલ!
તોય 'સાગર' ના છકી જાવું અહીં,
આતમા અંજાય છે? તો લખ ગઝલ!
- 'સાગર' રામોલિયા