મારી આસપાસ
વ્હેલ માછલી જેવા વિસ્તરેલા નગરને
ઘસાઈને એક નદી વહે છે
એ સાવ
ગામડાગામના
સંયુક્ત કુટુંબની
પાંચમા દીકરાની વહુની જેમ
સંકોડાઈને પસાર થઈ રહી છે
એ કદાચ હવે એનું
નામ પણ ભૂલી ગઈ હશે એમ લાગે છે
ઢળતા સૂરજની લાલિમામાં હું એને મળ્યો
તો
એ મેઘધનુષ બની ગઈ
જાણે આખું આકાશ આંબી લેવું હોય.
એને ત્યારે ખબર નહોતી
કે હમણાં જ
કોક ગોગલ્સમાં રહેલી 'નજર'
એને નહિ
પણ
એના કિનારા પર
કેટલી શક્યતાઓ
પોતાના 'પ્લાન' મુજબ છે
એ જોતી જોતી પસાર થઈ છે...
-રાજેશ વણકર