Gujarati Quote in Blog by Kamlesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માસિકધર્મ...(પિરિયડ્સ)...
માન્યતાઓ અને તથ્ય....

મહાન પુરુષપ્રધાન સમાજની ઓછી વિચારધારા...સંકુચિતતા...

ઇશ્વરભાઇ... સમાજનું નાક... બોલ્યો વેણ ઝિલવા આખોય સમાજ ખડેપગે. ઇશ્વરભાઇનો બોલ એટલ ઇશ્વરનો બોલ.ખુબ મોભાદાર જીવન જીવ્યું. બધાંમાં અવ્વલ રહ્યા. હવે ઇશ્વરભાઇની ઉંમર થઇ,ઇશ્વરને ઇશ્વરના ધામે જવાના ટાણાં આવ્યા. જીવનકાળની બધી વાતનો સંપૂર્ણ સંતોષ. એટલે જીવ તો મોક્ષ પ્રાપ્તિને આરે આવી જ ગયો...
થયું કે લાવને એકની એક દિકરીના માથે હાથ ફેરતો જાઉં,એટલે જીવ સદ્‌ગતે જાય. બસ અંતિમ ઇચ્છા પૂરી કરવા પહોંચ્યા દિકરીના સાસરે. હોંશે હોંશે ડેલીએ પહોંચ્યા અને સાદ પાડ્યો,"ઢિંગલી ઓ ઢિંગલી..." દિકરી ઘણા વર્ષે પિતાનો સાદ સાંભળી દોડતી આવી અને ઓસરીમાં જ જડ બની ઉભી રહી ગઇ.આંખો ચોધારે વહેવા માંડી....
ઇશ્વરભાઇ પોતાની અંતિમ ઇચ્છા પુરી કરવા દિકરીને હાથ ફેરવા જેવા સમીપ ગયા એવા તો દિકરી બે પગ પાછી ખસી ગઇ...
"હં હં બાપુ મને ના અડતા..."
પણ કેમ દિકરી???
"હું ધર્મમાં છું..."

અહોહો!!! આ શું !!!???
ઇશ્વરભાઇને તો "કાપો તો લોહી ના નિકળે" આવી પરિસ્થિતિ થઇ ગઇ...
જીવનભર સમાજના ખોટા દંભમાં રાચીને આખુંય આયખું બગાડ્યાની અનુભૂતિ થઇ. પોતે જો ધારે તો એક સાદે સમાજને આ "આભડછેટ"ના દૂષણ માંથી બહાર કાઢી શક્યા હોત... હવે તો કયા ભવે છૂટશું? એય મોટો પ્રશ્ન બની ઉભો રહી ગયો,એમની સામે. પોતાના જ બનાવેલા કે ચલાવી લીધેલા સમાજના આવા દૂષણો સામે "આંખ આડા કાન કર્યા ",એણે જ આજે એકના એક કાળજાના કટકાને હાથ ફેરવા ના દીધો...


શું ખરેખર એ સમયે સ્ત્રી અપવિત્ર હોય છે?
શું ખરેખર એની આભડછેટ લાગે?
શું આજના મોર્ડન યુગમાં પણ આ શક્ય છે?
શું આમાં કંઇ સાચું છે? કે બસ માન્યતાઓ?
આવા તો અનેકવિધ પ્રશ્નો છે...
તો સૌથી પહેલાં  આપણે  માસિક  વિશેની  માન્યતાઓ  અથવા ગેરમાન્યતાઓ  અને  આ  સમય દરમિયાન જે તે સ્ત્રી  પર મૂકવામાં આવતા  પ્રતિબંધો  વિશે વાત કરીએ.

માસિક ધર્મ  આવે ત્યારે મહિલા પોતાના પરિવારના પુરૂષોને ન મળી શકે. તેમને રસોડામાં જવાની કે રસોઈને અડવાની ન હોય. એમ પણ  માનવામાં આવે છે કે જો તે અથાણાંનો અડે તો અથાણાં  બગડી જાય. 

માસિક  આવ્યાના  પ્રથમ  બે દિવસ  વાળ  ધોવાની કે કપાવવાની મનાઇ.  તે મંદિર  કે  અન્ય કોઈ  પ્રાર્થના સ્થળે ન જઈ શકે.  આ બધી  પાબંદીઓ  પાછળ  એવી માન્યતા કામ કરે છે કે માસિકમાં  આવેલી સ્ત્રી "અશુદ્ધ"  કે પછી "અપવિત્ર" થઈ  જાય છે.

એવું  નથી  કે આવી  માન્યતાઓ  માત્ર આપણા દેશમાં જ છે. દુનિયાભરના  લોકો આ  બાબતે  જુદી  જુદી  માન્યતાઓ  ધરાવે છે. જેમ કે  પોલેન્ડના  લોકોના મતે પિરિયડ્સ  દરમિયાન  જો  સ્ત્રી  તેના પતિ  સાથે સમાગમ  કરે તો  તેના પતિનું  મૃત્યુ થાય.

અમેરિકા  અને બ્રિટનના  લોકોના  મતે "મહિલાઓ માસિક દરમિયાન  કેમ્પમાં ન જઈ શકે. રખેને રીંછને  દૂરથી જ  તેની વાસ આવી જાય તો ??"
"તમારું  માસિક શરૂ ન થાય ત્યાં સુધી  તમે તમારા વાળને વાંકડિયા ન કરી શકો."

રોમાનિયાના  લોકો માસિકમાં  આવેલી મહિલાઓને  ફૂલોને અડવા નથી દેતા. તેમની માન્યતા પ્રમાણે,"આવા વખતે જો કોઈપણ  મહિલા ફૂલોને  સ્પર્શ કરે તો તે ઝટ મૂરઝાઈ  જાય."

ફિલિપાઈન્સના લોકોની પ્રથમ માસિક  વિશેની માન્યતા તો સાવ અવિશ્વસનીય છે. તેઓ  માને  છે કે,"સૌપ્રથમ વખત આવેલા  માસિકના  રક્તથી ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા સુંદર-  સ્વચ્છ બને છે."

કોલંબિયાની  પ્રજાની માન્યતા  મુજબ  પિરિયડ્સ દરમિયાન  ઠંડા પીણાં  પીવાથી પેટમાં  વળ  પડે  છે. 

ઈઝરાયલના  લોકો મહિલાને માસિક  આવે ત્યારે તેના આખા  ચહેરા  પર તમાચા  મારે છે. તેઓ  માને  છે કે આમ કરવાથી  જે તે યુવતીના  ગાલ કાયમ માટે  મઝાના લાલ  લાલ થઈ જાય છે.

મલેશિયાની  પ્રજા  માને છે કે જે  તે સ્ત્રીએ  તેનું ઉપયોગમાં  લેવાયેલું  સેનિટરી  પેડ  ફેંકવા પહેલા ધોઈ નાખવું જોઈએ.  જો તે પોતાનું પેડ ધોયા વિના ફેંકી દે તો તેને ભૂત વળગે  છે.

અહીં એ જાણવું પણ આવશ્યક  થઈ પડે  છે કે મહિલાઓના  પિરિયડ્સ  વિશે  ધાર્મિક પુસ્તકો  શું  કહે  છે.  વિદ્વાનો  કહે  છે કે ધાર્મિક પુસ્તકોમાં  ચોક્કસપણે  કહેવામાં આવ્યું  છે કે માસિકમાં  આવેલી સ્ત્રીએ    સમાગમ  તેમ જ ગૃહકાર્યોથી  દૂર રહેવું  જોઈએ.  તેણે  ઘરના અન્ય સભ્યોથી  અલગ રહેવું જોઈએ. 

પરંતુ તેનો અર્થ એવો  નથી કે આ સમય દરમિયાન  જે તે સ્ત્રી  અપવિત્ર થઈ જતી હોવાથી  તેણે અલગ  રહેવું  જોઈએ.  વાસ્તવમાં  પિરિયડ્સ  દરમિયાનના સ્ત્રીના  સ્વાસ્થ્ય   અને કાર્યશક્તિને  ધ્યાનમાં લઈને આ  પ્રકારની સલાહ આપવામાં આવી  છે. 

પરંતુ આપણે   તેનું  ખોટું  અર્થઘટન  કરીને તે સ્ત્રીને  અપવિત્ર  ગણીએ  છીએ.ધર્મ કહે છે કે આ સમય  દરમિયાન  સ્ત્રી કોઈપણ  જાતની ખલેલ વિના  આરામ કરી શકે એટલા માટે તેને બધાથી  અલગ રહેવાની  ભલામણ  કરવામાં આવે છે. આધુનિક  તબીબો  પણ  ઘણા અંશે  આ  વાત સાથે સહમત  થાય  છે. જો કે તેઓ  ચોક્કસ  પ્રતિબંધો દૂર  કરવાની  તરફેણ  કરતાં  કહે  છે કે, "અગાઉના  સમયમાં  સેનિટરી  પેડ્સ  નહોતા  તેથી જે સ્ત્રીને માસિક  આવે  તેને અલગ  ઓરડામાં  રાખવામાં  આવતી."
પરંતુ  જો આજે પણ આ પ્રથા જારી રાખવામાં  આવે, તો "માસિકમાં આવેલી સ્ત્રી  અપવિત્ર  હોય છે",એ માન્યતાને  બળ મળશે.  વળી આજે  બજારમાં  કંઈકેટલીય  બ્રાન્ડના  સેનિટરી  પેડ્સ  ઉપલબ્ધ  છે. તેનો ઉપયોગ કરતી સ્ત્રીઓ  આસાનીથી  સર્વત્ર હરીફરી  શકે  છે,  કામ કરી શકે  છે, નૃત્ય કે અન્ય સ્ટંટ પણ  કરી  શકે  છે. તેથી તેને ઘરના એક ખૂણામાં  બેસી રહેવાની જરૂર નથી.  હા, તેને  ચોક્કસ  પ્રકારનો આહાર ન આપવા  પાછળનું   કારણ એ છે કે અમુક આહાર  હોર્મોન્સનું   સંતુલન  ખોરવી  નાખે છે. બહેતર  છે કે આ સમય  દરમિયાન  સંતુલિત  આહાર લેવામાં આવે. વધુ પડતા રક્તસ્ત્રાવને લીધે કમજોરી જેવી સમસ્યાઓ આવે છે,એટલે સંપૂર્ણ આરામ અને આહારની એને જરુર છે.
બાકી તો પ્રકૃતિનું રજસ્વલા થવું એટલું પવિત્ર અને આવશ્યક છે જેટલું પુરુષનું ઉત્પન્ન થવું અને થતાં રહેવું. સૃષ્ટીની નિરંતરતા માટેનું આ અતિ પવિત્ર ચરણ છે.આ સમયે સ્ત્રી અપવિત્ર નહીં અપિતુ પૂજનીય છે. ઇશ્વરે આપેલ વરદાનને ધારણ કરનાર એ છે એટલે જ આપણું અસ્તિત્વ છે.
તો મિત્રો, માસિકમાં આવેલી બહેન,દિકરી,વહુને ખોટી માન્યતાઓનો ભોગ ના બનાવતા એ કઠીન સમયમાં એનો સાથ આપવો એ આપણું કર્તવ્ય છે. સમાજને સુધારવો છે તો શરુઆત સ્વયંથી કરો,સમાજ સ્વયં સુધરી જશે.ખરેખર મેન્સીસ એ કોઇ શર્મનાક વાત નથી. બરાબર કાળજી લેવાય તો થોડા આરામ સાથે સ્ત્રી બધા જ કામો કરી શકે છે. નોકરી કરતી સ્ત્રીને દર મહિને ચાર દિવસની રજા કોણ આપવાનું છે? ભણેલી ગણેલી યુવતીને સ્વચ્છતાના પાઠ પઢાવવાની પણ જરૂર નથી. તે બધું સમજે છે અને યોગ્ય રીતે વર્તે છે.

માસિક ધર્મના ૪ દિવસોમાં સ્ત્રીને સહાનુભૂતિ અને થોડા આરામની જરૂર છે,જો આટલું સમાજ સમજી લે તો પણ ઘણું છે.

સ્ત્રી પોતે સમજીને કે તેની શ્રદ્ધારૂપે મંદિરમાં કે રસોડામાં ના પ્રવેશે એ તેની મરજીની વાત છે. પણ તેના પર પ્રતિબંધ મૂકવો એ અન્યાય છે. 


હું તો આ અન્યાય હવે નહી થવા દઉં...
અને તમે?
શ્રાવણમાસમાં આ એક શુભ સંકલ્પ લેશો?

વિચારજો એકવાર...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...

Gujarati Blog by Kamlesh : 111520416
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now