હિન્દુસ્તાન અને ધર્મવાદ એકબીજાના પૂરક છે ત્યારે, અને બનાવટી ધર્મનું ભૂત લોકો પર અત્યારે સવાર છે. ધર્મનો અર્થ નીકળી ગયો છે અને લાભના મોરચા ખુલી ગયા છે. અત્યારે પ્રજા ધર્મના નામના લેબલ સાથે ગટરમાં રહેતા ભૂંડ જેવી હીન થઈ ગઈ છે. અને ધર્મના બનીબેઠેલાં ઠેકેદારો એ ગટરમાં વધુ કીચડ ઠાલવી રહ્યા છે. જીવનના અને માનવતાના મૂલ્યને લુપ્ત કરી ધર્મના નામના અહંમના વિષવૃક્ષનું સંવર્ધન થઈ રહ્યું છે.
કરોડો રૂપિયે બનાવેલ મંદિર, મસ્જિદ માનવતાના અવાજને સાંભળી નથી શક્યા. પોતાના અઢંગ પ્રચારમાં જ મશગુલ રહ્યા છે. ઘણા તત્વો પોતાને જ મહાન દર્શાવવા, આજે પણ પછવાડે રહેતા લોકોથી અભડાય રહ્યા છે. સિયા અને સુન્નીના વિવાદમાં પૂરું આરબ ખતમ થવાને આરે આવી ગયું છે. હિન્દૂ અને મુસ્લિમ પર ભારતમાં ચૂંટણી લડવામાં આવે છે. ગુજરાતમાં તો હિન્દૂ વચ્ચે પણ અનેક વાક્યજંગ થઈ ગઈ છે. અહીં હરેક ક્ષણે કોઈની ને કોઈની રહેલી ભાવના દુભાઈ જાય છે. તો આવા ભાવનાના આશિકો તમારી ભાવના ખરેખર સાચી હોય તો તમે જેના પ્રત્યે ભાવના રાખો છો એના વિચારો તરફ તમે સમર્પિત હોવા જોઈએ. આતો ખૂબને હાઇલાઇટ કરવા માટે ભાવનાનો સહારો લઈ પ્રખ્યાત થવાની ગાંડીઘેલસા કહેવાય.
હિન્દૂ ધર્મના ધુરંધરો, એવું કહે છે કે હિન્દૂ પર અત્યાચાર થાય એ અમારી માટે અસહ્ય છે. તો હે સંપત્તિના ટેકે ઉભેલા ઠેકેદારો સુરતમાં 22 જેટલા માસૂમ બાળકો બળીને રાખ થઈ ગયા ત્યારે તમારા ઠોકા ક્યાં ગીરવે મૂકી આવ્યા હતા. જ્યારે કોઈ હિન્દુની દીકરી પર બળાત્કાર થાય છે, જ્યારે કોઈ હિન્દૂ આત્મહત્યા કરે છે, જ્યારે કોઈ હિન્દૂ ને મારી નાખવામાં આવે છે ત્યારે હોઠ કેમ સિવાય જાય છે. ધર્મનો પ્રચાર કરતા લેભાગુ તત્વોને માલુમ થાય કે તમારા જેટલા શાસ્ત્રો મેં નથી વાંચ્યા પણ પહેલો ધર્મ તમે જેનો ઠેકો લઈ બેઠા છો એ પ્રજાને અન્યાય ન થાય એનો હોવો જોઈએ.
જ્યારે માનવતા જ તમારામાં રહી નથી ત્યારે અયોધ્યામાં મંદિર બને કે મસ્જિદ શુ ફેર પડે આ લોકોને, લોકો ભૂખને સંતોષવા ખોરાક માંગે છે, યુવાનો કામ માંગે છે, ખેડૂતો પાકનો યોગ્ય દામ માંગે છે. અને તમે એ બધું એક બાજુ રાખી જ્ઞાન અને ભગવાનની વાતો કરવા લાગો છો. નીલકંઠ નામના એક શબ્દ પર મોટો વિવાદ થઈ ગયો, બધા ઠેકેદારો પોતાના બચાવમાં મેદાનમાં આવી ગયા. આ વિવાદને જોઈ નિરાકાર નીલકંઠ પણ શરમસાર થઈ પોતાના અશ્રુઓનું સ્નાન કરતા હશે. એક શબ્દ પર આટલો વિવાદ ? અને વાત જ્યારે માફીની આવે ત્યારે સનાતન ધર્મના ઝંડા લઈ બહાર આવતા અનેક જમાતના લોકો ને યાદ કરાવું કે લોકસભાની ચૂંટણી સમયે મહાબલી શ્રી હનુમાનજીની જાતિ દર્શાવતા નેતાઓ સામે તમારા ધર્મને કોઈ ખરતો ન હતો? જ્યારે ન્યાય માટે લડત કરતા ખેડૂતો પર લાકડી મારવામાં આવે છે ત્યારે તમને હિન્દુત્વ પર કોઈ ખતરો નથી લાગતો?
ગાય અને સુવર પર લડાવી મારતા લોકોના હાથમાં જ્યારે ધર્મની કમાન આવે ત્યારે દ્વેષ પોતાની ચરમસીમા પર આવી જાય છે. દેશનો પ્રધાન જ્યારે પોતાની જાતને નિમ્ન કહેવા લાગે ત્યારે જ જાતિવાદની દુર્ગંધ આવે છે. અત્યારે રસ્તા પર અનેક ખાડા છે એના માટે કોઈ ધર્મના ઠેકેદારે આંદોલન ન કર્યું? અરે એ વાત જવાદો, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં હિન્દુવાદી સરકાર છે તો હિન્દૂની પૂજન્ય અને પવિત્ર ગૌમાતા આજે રસ્તા પર પ્લાસ્ટિકના કાગળ ખાઈ રહી છે. ત્યારે તમારા ધર્મ પર તમને ખતરો નથી લાગતો?
✍️મનોજ સંતોકી માનસ✍️
#ધર્માંધ