'સાવધાની હટી દુર્ઘટના ઘટી'. પણ કઈ કઈ જગ્યાની સાવધાની રાખવી?
સાવધાની રાખો સ્વાસ્થ્યની બાબતમાં, સાવધાની રાખો પોતાના કામમાં, સાવધાની રાખો છૂપા હિતશત્રુઓથી, સાવધાની રાખો સંબંધ નિભાવવામાં, સાવધાની રાખો બાળકના ઉછેરમાં, સાવધાની રાખો પોતાની આવકનું આયોજન કરવામાં,...........
કેટલી બધી સાવધાની! માણસ જીવશે ક્યારે? આટલી બધી બાબતો ધ્યાનમાં લેતો રહેશે તો એનાં પોતાના અસ્તિત્વનું શું? શું શકય છે કે બધુ જ સાચવી સાચવીને કરીએ? અરે પરિસ્થિતી એટલો સમય જ ક્યાં આપે છે!
શું પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સંપુર્ણ ધ્યાન અપાય એટલો સમય છે બધા પાસે? નથી. એક પુરુષ હોય તો પોતાની નોકરીનો સમય સાચવવા પર જ વધુ ધ્યાન આપે છે. બાળકો પોતાની સ્કૂલ અને મિત્રોનું વધારે ધ્યાન રાખે છે, અને સ્ત્રી - એ તો તમે જાણો જ છો. સવારથી વડીલો, પતિ અને બાળકોની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં પોતાનું અસ્તિત્વ પણ ભૂલી જાય છે, તો સ્વાસ્થ્યની સાવધાની તો દૂરની વાત રહી.
કામના સ્થળની વાત કરીએ તો સ્ત્રી હોય કે પુરુષ કોઈને ખબર હોતી નથી કે આજે કયું કામ કરવું પડશે? અચાનક આવી પડેલા કામમાં તમે ગમે તેટલી સાવધાની રાખો થોડી તો કચાશ રહી જ જાય છે.
હિતશત્રુઓથી સાવધાની રાખવી તો શકય જ નથી. ખબર જ નથી પડવા દેતા કે ક્યારે અને કઈ બાબતમાં તેઓ આપણને નુકસાન પહોંચાડશે!
સંબંધની વાત કરીએ તો મને નથી લાગતું કે ગમે એટલી સાવધાની રાખીએ તો પણ સંપૂર્ણપણે કોઈ પણ તકલીફ વગર નિભાવી શકાય. થોડી ઘણી ચકમક તો થયા વગર ન રહે, ખાસ કરીને સંયુક્ત કુટુંબમાં. બધાના મન સાચવવા શકય નથી, અને જો કોઈ સાચવી લે છે તો એણે પોતાની ઘણી બધી ઈચ્છાઓ સાથે સમાધાન કરી લીધુ હશે.
બાળકના ઉછેરની જ્યારે વાત આવે છે ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે તમે ગમે તેટલી સાવધાની રાખો બાળક સાથે જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. મેં ઘણી જગ્યાએ અનુભવ્યું છે કે જે બાળકોને ઘણી બધી સુવિધાઓ મળી છે એનાં કરતા જેઓ સંઘર્ષ કરીને જીવે છે એઓ બધી રીતે આગળ પડતાં હોય છે.
આવકના આયોજનમાં સાવધાની. શકય જ નથી. ગમે તેટલી બચત કરી લો અચાનક આવી પડેલો ખર્ચો તમે ટાળી શકવાના નથી જ. કોઈની અચાનક માંદગી આવી પડે કે કુટુંબમાં કોઈ સુખદ કે દુઃખદ પ્રસંગ આવી જાય કે પછી બાળકોનો કોઈ અણધાર્યો કોઈ ખર્ચ આવી જાય તો બધી સાવધાની નકામી જાય. જેઓ ગર્ભશ્રીમંત છે તેમને તો વાંધો નથી પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આવકના આયોજનની બધી સાવધાની એળે નીકળી જાય છે. સાવધાની રાખવી જોઈએ, જરુરી છે પણ સાથે સાથે થોડા બેફિકર પણ રહેવું જોઈએ.માનસિક સાવધાની માટે એ જરુરી છે.
#સાવધાની