#soliloquy
I am me ,a Paradox
~~~~~~~~~~~~~
મને ભાર લાગે છે, તૈયાર થવાનો!
થોડા ગૂંચવાયેલા વાળ,
પાઉડર લાલી ક્રીમ વગરનો ચહેરો;
ઇસ્ત્રી કર્યા વગરના સૂતરાઉ કપડાંનો સ્પર્શ;
મને હું બનાવે છે.!
સારુ કોને ન ગમે?
અને મને પણ ગમેે, પણ
મને ઢાંકી દે એવું નહી...
મોટી બારી પાસે, આરામ ખુરશી નાખી
કૉફી પીતી કોઈને
કલ્પનામાં જોઉં; ત્યારે પેલ્લો પ્રશ્ન એ થાય;-
આના વાળ નહી ખરતા હોય?
ઘર આટલું ચોખ્ખું કેમ લાગતું હશે નહિંતર?
પછી માંડ સમજાય:
એ કૉફીનો કપ,
હાથમાંનું પુસ્તક કે
નેપ્થયે ચાલતા સંગીતની
બંધ આંખે લેવાતી મજા;-
ટેબલ પર
પડેલા કપના નિશાનને લૂછી નાખે છે!!
હું અવાચ નથી, બસ ક્યારેક
બોલતી વખતે રોકાઈ જાઉં છું.
વ્યકત થાઉં પણ ખરા, અને
ક્યારેક ધરબાઈ જાઉં છું.
નફિકરી ક્ષણે અભાનપણે સભાન થઇ જાઉં?
કોઈ વખાણે એ ગમે પણ, અને
ક્યારેક એ વખાણથી જ સંકોચાઈ જાઉં??
ગુસ્સો આગ જેવો અને સ્વસ્થતા બરફ જેવી.
લાગણીમાં દરિયો, અને
વ્યવહારમાં ક્યારેક ખાબોચિયું.
રાજીપામાં હોઠના ખૂણે હસું,
ખાલીપામાં મારો જ હાથ ઝાલું.
પળમાં જીતાય જાઉં એવી સરળ,
પણ ઘણા માટે સાવ અકળ...
હું એટલે વિરોધાભાસ...
©લીના પ્રતીશ