#રોમાંચક
મનાલી થી રોહતાંગ જતી વખતે બસના બધા જ પેસેન્જર વહેંચાઈને ત્રણેક મોટી જીપમાં ગોઠવાઈ ગયા. થોડેક આગળ જઈને ઢાબા પર બધાએ આલુ પરોઠા અને ચાનો નાસ્તો કર્યો. હવે આગળ રસ્તો એકદમ સાંકડો હતો. ત્રણેય જીપો એક પછી એક ધીમે ધીમે આગળ વધતી હતી. રસ્તા ભીના હતા વળી રીપેરીંગ કામ પણ ચાલતુ હતું. પહેલી જીપ આગળ વધતી હતી ત્યારે એકદમ વળાંક પર સામેથી ટ્રક આવીને ઊભી રહી એટલે હવે પહેલી જીપના ડ્રાઇવરે રીવર્સ લેવી જ પડે. ધીરે ધીરે રીવર્સ લેતા લેતા જાણે જીપ સહેજ માટે ખીણમાં પડતા રહી ગઈ. પાછળની બંને જીપના ડ્રાઇવરે તો નિશ્ચિત અંતર જાળવી રાખેલું પણ પાછળની બંને જીપના પેસેન્જર નુ હધ્ય એક ધબકારો ચૂકી ગયું કે જેમણે આ દ્રશ્ય પાછળથી જોયુ હતું. જોકે પહેલી જીપના ડ્રાઇવરે પોતાની સમય સૂચકતા વાપરીને જીપને પાછી રોડ પર લઈ લીધી. ધીરે ધીરે ત્રણેય જીપ ઢોળાવ વાળા રસ્તા પર આકાશને આંબવા અધીરી બની. જ્યારે રોહતાંગ આવ્યું ત્યારે ચારે બાજુ બરફ જ બરફ. મન અને તન રોમાંચિત થઈ ઊઠે એવું રોમાંચક અને આહલાદક વાતાવરણ.