# કેટલો મૂર્ખ!
કેટલો મૂર્ખ હોય છે એ કરોળિયો, જે
ઝાળ ગૂંથવામાં ઘણા પ્રયાસોનો સમય ખર્ચે છે!
કેટલો મૂર્ખ હોય છે ઘર બાંધનારો, જે
પાયાના પથ્થર મુકવા અમથો જમીનમાં ઉતરે છે!
કેટલો મૂર્ખ હશે એ દાણા અનાજનાં રોપનારો, જે
કણ કણ રોપવા જમીન જ્યાં ને ત્યાં ખોતરે છે!
કેટલો નાસમજ હશે એ સૃષ્ટિનો સર્જનહારો, જે
જાણી જોઈને ધરા પર અવનવા મતિવાનો મોકલે છે!
કેટલો બળશાળી હશે એ મતિવાન ઇન્સાન, જે જોતજોતામાં દરેક મુર્ખને પણ પડકાર ફેંકે છે..!
કેટલો શાણપણ ભર્યો હશે એ મતિવાન ઈન્સાન, જે કરોળિયાના ઝાળા ને એક ઝાટકે ઉડાડે છે!
કેટલો તીક્ષ્ણ અને અસરદાર હશે એ ઇન્સાન, જે
પલક ઝબકતા જ અડીખમ ઘરને ધ્વસ્ત કરે છે!
કેટલો હોશિયાર હશે એ મતિવાન ઇન્સાન, જે
મુસ્કુરાતી ધરાને આકાશે કાળા ઓળા ફૂંકતી કરે છે!
કેટલો ચતુર ચિત્રકાર હશે એ મતિવાન ઇન્સાન, જે
કાબરચિત્રા રંગોથી સર્જનહારનાં ચિત્રોને પડકારે છે!
- કે. વ્યસ