પોઢી ગઈ છે પીડાં, એને ન માર પથ્થર;
હું પ્રેમથી કહું છું, છોડી દે યાર પથ્થર.
પોતાની આબરૂને લોહી લુહાણ કરવાં,
ભેગા કર્યા છે કોણે આ ધારદાર પથ્થર?
વાગી ગયા એ તમને એમાં ગુનો શું એનો?
કરતા નથી એ પોતે ક્યારેય વાર પથ્થર.
અભરાઈ, ચિત્ર, બારી એમાંનું કંઇ નથી દોસ્ત;
ઊભા છે માત્ર ઘરમાં, તકલાદી ચાર પથ્થર.
સંસારને ટકોરા મારે છે દર કલાકે;
ઘડિયાળમાં જડેલા આ બારે-બાર પથ્થર
કારીગરી છે કપરી! બે દિલને એક કરવાં;
કરવા પડે છે પથ્થરની આરપાર પથ્થર.
તેથી તો ગાલ માફક એ જીર્ણ થઈ ગયા છે,
પીધાં કરે છે આખા દરિયાનો ક્ષાર પથ્થર.
- નિકુંજ ભટ્ટ