જુદી જીંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે…
છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે – જહાજે…
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે…
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે…
જીવન જેમ જુદાં છે કાયાય જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે…
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રિત જાગે મલાજે – મલાજે…
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે…
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફીલ’