દુષ્ટતા - શબ્દ જ એવો છે. વાંચીને દરેકના મનમાં કોઇક ને કોઇક ચહેરો તો આવી જ જાય. શું વ્યાખ્યા હોઇ શકે દુષ્ટતાની? કોઈની લાગણી દૂભાવવી તે કે કોઈને મારવુ તે? કોઈનું કહ્યું ન માનવું તે કે કોઈનું કહ્યું બધું જ માનવું તે?
માનવીમાં દુષ્ટતા આવે છે ક્યાંથી? કર્મોનું ફ્ળ કે પછી ઉભા થયેલા સંજોગો?
આજની પરિસ્થિતિ મુજબ દુષ્ટતા કોને ગણવી - બાળક માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકે તે કે માતા પિતા બાળકને કાઢી મૂકે તે? શિક્ષક વિદ્યાર્થી પર હાથ ઉઠાવે તે કે વિદ્યાર્થી શિક્ષક પર હાથ ઉઠાવે તે? પતિ પત્નીના એક બીજા પરના અત્યાચાર કે પ્રેમીઓ એ કરેલું એકબીજાનું શોષણ? માલિક દ્વારા નોકરનું શોષણ કે નોકરે માલિક સાથે કરેલો વિશ્વાસઘાત?
દુષ્ટતાનાં ઘણાં સ્વરૂપો છે. પરંતું એની વ્યાખ્યા દરેકની પોતાની અલગ જ છે. જે બાબત કોઈકને માટે સહજ છે તે જ બીજા માટે કદાચ દુષ્ટતા છે, ખાસ કરીને કામના સ્થળે આવું ઘણી વાર બનતું હોય છે.
જે પોતાના કર્મોને આધિન દુષ્ટ છે તે તો દુષ્ટતા કરશે જ પણ જ્યારે જે વ્યક્તિએ ક્યારેય કોઈ વિશે ખરાબ ન વિચાર્યું હોવા છતાં પણ એ અચાનક જ દુષ્ટતા કરવા લાગે ને ત્યારે સમજી લેવું કે ક્યાંક એની લાગણીઓને ઠેસ પહોચી છે.
આપણાં ઋષિમુનિઓનાં મતે તો કોઈની પણ ઇચ્છા વિરૂદ્ધ તેની પાસે કંઇ પણ કરાવવું એ દુષ્ટતા જ છે. પરંતું શું આજના યુગમાં સંપૂર્ણપણે દુષ્ટતારહિત જીવવું શકય છે? કારણ કે આપણાં જીવનમાં આવતી દરેક વ્યક્તિ એકસરખી હોતી નથી. તે છતા પણ જો કોઈને આવી કોઈ વ્યક્તિ કે જેણે એને દુષ્ટતા કરવા ક્યારેય પ્રેર્યાં જ નથી તો એ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ જીવન જીવી રહી છે.
અંતે તો એટલું જ કહીશ કે દુષ્ટતા એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય કાર્ય તો નથી જ પણ એ આધાર રાખે છે તમારી સાથે કેવો વ્યવહાર થયો અને એની તમારા જીવન પર શું અસર થઈ, અને એનો વળતો પ્રહાર કેવો કરવાનું તમે નક્કી કર્યું.
#દુષ્ટતા