અરે મીઠા આત્મા ! મુજથી કર જે હોય કરવું,
સદાનો ત્હારો હું, અરર ! પણ એ ના વિસરવું;
દુઃખે ડોળાયેલી લહરી મુજ હૈયા ઉપરની,
સુવાડું છું તેને પ્રણય અણમૂલો તુજ સ્મરી.
રહી થોડી બાકી તુજ પ્રણયની એક કણિકા,
નહીં ઢોળું તેને ! જીવિત મુજ ઢોળું ક્યમ ભલા ?!
વિનોદે તેને તો હૃદય મુજ આશ્વાસિત કરી
હજુ મીઠાં ગીતો મરણ સુધી હું ગાઈશ, સખિ !
દુઃખોની જ્વાલાથી સુરસ સુખપંખી ફફડશે,
વિચારો સૌ મ્હારા ઝળહળ થતી પાંખ ધરશે;
નભે નાચન્તી તે લહરિ સ્વરનીમાં ભળીશ હું -
તહીં સુધી એવાં મધુર ગીત ગાઈ શકીશ હું.
અહોહો ! એવું કૈં તુજ જિગરનું આ જિગરમાં,
હજો એવું મ્હારૂં કંઈક પણ ત્હારા હૃદયમાં;
અરે ! બન્ને વચ્ચે પ્રણય વસતો એક દિવસે,
નિશાની તેની એ તુજ હદયને શું નવ રુચે ?
મ્હને ખેંચે છે તે તુજ જિગરને શું નવ અડે ?
ન શું મ્હારે માટે તુજ જિગરમાં સ્થાન જ ન મળે ?
અરે ! હું તો ત્હોયે જરૂર વસનારો તુજ ઉરે !
અરે ! ત્હોયે તુંને હજુ લઈ જનારો નભ પરે !
#વીસરવું