#વિશ્વ
આ ખાકમુઠ્ઠીના દેહ પરે શણગારના ભારો શા માટે?
ને ખાક તણા અંબર પરે સર્જાય શણગારો શા માટે?
અંતરનાં અથાગ ઊંડાણ મહીં શોધીશ તને હું આપબળે,
દિલ પ્રેમથી મારું પ્રકાશિત છે,જ્યોતિનો સહારો શા માટે?
મુજ પંથ પ્રકાશિત હો ન ભલે, વિશ્વમાં દીસે અંધકાર ભલે,
ભટકીશ ન હું માર્ગ ભૂલી, ચમકે છે સિતારો શા માટે?
ઊગી ને હજી તો આકાશે જવનમાં ઘડીભર ચમક્યો છે,
ડૂબે છે નીરવતામાં પાછો મુજ ભાગ્ય-સિતારો શા માટે?
નિજધામ અનંતના આરા પર આતમને જવાનું છે જ્યારે,
તો દેહનું બંધન ને વિશ્વના આ અલ્પ વિહારો શા માટે?
વિશ્વના આ અલ્પ વિહારો શા માટે?