આપણાં હૃદયનાં કોઈ એક ખૂણામાં કોણ કોણ રહેતું હોય છે એ ક્યારેક આપણને પણ નથી ખબર હોતી. આપણા હૃદયમાં એમનાં માટે કેટલી લાગણી છે એ ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે એ વ્યક્તિને દુઃખમાં જોઈએ, ત્યારે ખબર પડે કે આપણે એનું દુઃખ ફક્ત જોઈ જ નથી રહ્યા પણ અનુભવી રહ્યા છીએ.
આપણાં પોતાનાં જીવનમાં હજારો તકલીફ હોવા છતાં એ વ્યક્તિનું દુઃખ આપણને એટલું તકલીફ આપે છે કે આપણી તકલીફ ત્યારે યાદ પણ નથી આવતી.
કોઈ એને કંઈ ખોટું કહેતું હોય કે એનું ખોટું કરવા પ્રયત્ન કરતું હોય તો આપણે એ તકલીફ પોતાના પર લઈ લેવા માંગીએ છે. એનું દુઃખ મારા નામ પર લખીને મારા ભાગનાં સુખ એને મોકલી દેવાની પ્રાર્થના થઈ જાય છે હૃદયમાંથી.
આપણાં પ્રેમનું કવચ એને પહેરાવીને જાણે એમ કહી દઈએ કે તું પાછલા દરવાજાથી નીકળીને આમાંથી બચી જા, મને બહુ જ અનુભવ છે આ બધી તકલીફો સાથે લડવાનો તો હું લડી લઈશ. પણ તને કંઈ થશે તો એ મને વધુ તકલીફ આપશે. એટલે તું જા...
આજે ફરી હ્રદયના એક ખૂણામાં કંઈક ખૂચ્યું. પછી કંઈક લખ્યું, કંઈક ડીલીટ કર્યું. અને ખાલી આંખ બંદ કરીને એને થોડીક યાદ, થોડીક પ્રાર્થના અને મારા ભાગનાં સુખ મોકલી આપ્યા.
ક્યારેક લાગે છે આવા નાના નાના દુઃખ જીવ લેશે હો...