આજે રઘલો, ફરી તેની માતાને શરણે આવ્યો હતો. તેની માતા એટલે રંગભૂમિ જેને ચાળીસ વર્ષ આપ્યા હતા. તેનો આજના કાર્યક્રમમાં પ્રવેશ હતો, રંગલા તરીકે.
દસ વર્ષનો હતો ત્યારથી અભિનયનો શોખ જાગ્યો, ગામમાં ભવાઈ જોઇને. તે પછી જયારે પણ તરગાળા ગામમાં ભવાઈ ભજવવા આવતા, એક નાનકડું પાત્ર ભજવતો તેમાં. એક દિવસ ઘર છોડીને તેમની સાથે થઇ ગયો, અને બની ગયો રંગલો, ભવાઈમાં હાસ્ય રેલાવનાર કલાકાર. થોડા જ સમયમાં તે પ્રખ્યાત થઇ ગયો. બધાના ચેહરા પર હાસ્ય રેલાવનાર રઘલા માટે હાસ્ય એ દુર્લભ વસ્તુ હતી. તેની સાવકી મા કઠણ કાળજાની હતી અને પત્ની પણ એવી જ મળી. તેનો એકમાત્ર આધાર તેની દીકરી હતી જે તેની જેમ રંગમંચની કલાકાર બની. અસાધ્ય બીમારીમાં તેનું મૃત્યુ થયા પછી રઘલાએ રંગમંચને રામરામ કરી દીધા.
આજે દીકરીના સન્માનમાં આયોજિત ભવાઈ માટે તેણે ચેહરાને રંગ લગાડ્યો હતો, જે તેના દરેક દર્દને છુપાવી દેતો હતો. રઘલો સ્ટેજ પર આવ્યો અને થોડા ડાયલોગ બોલીને ત્યાજ ઢળી પડ્યો.તેના રંગાયેલા ચેહરા પર હાસ્ય હતું , પણ આંખો?