મારો વહાલો દીકરો અકી (અર્ક)
તારી બોર્ડની પહેલી પરિક્ષાનું પહેલું પેપર આવતી કાલે છે. કેટલા લોકો એ શુભેચ્છાઓ પાઠવી કેટલા લોકો એ સાકરપડો આપ્યો. એ બધાના આશીર્વાદ હમેંશા કામ આવે જ દીકરા તે યાદ રાખજે. સમજુ છું કે અત્યારે પરિસ્થતિ એવી છે કે આ નાનકડી પરિક્ષાનો હાઉ પણ એવો બનાવી દેવામાં આવ્યો છે કે જાણે રાક્ષસ હોય. આ તો પહેલું પગથિયું છે તારી કારકિર્દીનું હજી તો આખો ગિરનાર ચડીને દત્તાત્રેયની ટોચ સુધી જવાનું છે તારે માટે જરાય ચિંતા ન કરતો આ પરિક્ષા તો રિક્શા જેવી હોય આવે અને જાય. આપણને એક જગ્યા એથી બીજી જગ્યા એ પહોંચવામાં મદદ કરે માટે જેમ પહેલી રિક્ષા જેવું જ આમાં પણ હોય પરિક્ષા તો આવે જાય બહુ ચિંતા કરવી નહીં. આપણે હમેંશા આપણું ૧૦૦ ટકા આપવું જે આખું વર્ષ શીખ્યા છીએ તે ત્રણ કલાકમાં તો થોડી સાબિતી આપી શકાય પણ આ પરિક્ષાને એક પરિણામ લક્ષી ન જોવી બેટા પરિક્ષામાં ભાગ લેવા થી જ અડધી જંગ તો જીતી લેવાય છે. બધા ભલેને બિવડાવે.. તને ખબર છે.. ગયા વર્ષે ૧૭ લાખ થી ઉપર બાળકો એ આ પરિક્ષા આપેલ એમ દર વર્ષે લાખો લોકો આ પરિક્ષા આપે છે જેમાં થોડાક જ બાળકો ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થતાં હશે અને એ પણ આ પરિક્ષામાં પણ જીવનની પરિક્ષામાં તો કદાચ જે ધાર્યા કરતાં પરિણામ નહીં લાવ્યા હોય તે જ પાસ થયા હશે.
પરિક્ષા એ કોઈ તમારું પોતાની બુધિક્ષમતા માપવા નથી લેવાતી એ તો શિક્ષણ પદ્ધતિના ભાગરૂપે જ લેવાય છે. એટલે આપણે આપણું કામ કરવાનું જે પેપરમાં પૂછાય તે દરેક સવાલના જવાબ આપણી સમજશક્તિ મુજબ આપી દેવાના બહુ ચિંતા કરવાની નહીં. કારણ આ પરિક્ષામાં જે ટોપ કરે તે કદાચ જિંદગીમાં આવતી કેટલીય પરિક્ષામાં પાસ પણ ન થઈ શકે અને આ પરિક્ષામાં જે નબળું પુરવાર થાય તે જીવનની પરિક્ષાનો એકકો પણ સાબિત થાય.
બસ કોઈ જ ચિંતા કર્યા વગર મસ્ત રીતે પેપર લખીને આવજે પરિણામ અમારા માટે ક્યારેય મહત્વનું રહ્યું નથી અને રહેશે નહીં ...
તારી હિટલર મમ્મી
માતંગી માંકડ ઓઝા
આ સાથે બોર્ડની પરિક્ષામાં બેસનાર બાળકોના વાલી અને અભિભાવકોને હાથ જોડી વિનંતી કરીશ કે બાળકોને પરિક્ષાની બીક ન લાગવા દયો એમનાં માટે બોર્ડની પરિક્ષા પણ એટલી જ સામાન્ય બનાવો જેટલી બીજી સ્કુલની પરિક્ષા ઓ હતી. આપણા બાળકો એ હજી તો જિંદગીમાં આગળ ખૂબ બધી પરિક્ષાનો સામનો કરવાનો છે માત્ર એકેડેમીક જ નહીં ડગલેને પગલે લોકો અને કુદરત પણ પરિક્ષા લેશે એટલે આ પહેલાં પગલાં માં જ એમને એટલા સક્ષમ બનાવી દયો કે પરિક્ષાને હાવી નહીં હવા ગણી શકે. એમને પાસ થવાનું છે નાસીપાસ નહીં. આ કોઈ જ મોટી પરિક્ષા નથી તે તમારે પણ યાદ રાખવાનું છે.(#MMO )