કળ વળે ત્યાં બીજી એક કળ નિત ચઢે છે,
રોજ જીવનને ઉખાણાઓ મળે છે.
મારી ભૂલો રાહ ભૂલ્યાની કહાની,
હું હવે ભટકું તો મન ભારે વઢે છે.
પૂજા પથ્થરની કરી શોધ્યા તે ઇશને,
બાળમાં શોધોને ! ઈશ તો ત્યાં રહે છે.
તાળું મારે ખોલવું 'તું ચૂપકી નું,
થાક્યો છું ,બોલો ને ચાવી ક્યાં મળે છે?
થાપ આપી ,તાપ જીવનભરનો આપ્યો,
વાત ને નાની સહજતાથી કહે છે.
ભૂલ પોતાની મળે તો જિંદગી ધન્ય,
બાકી ભૂલો જગમાં બીજાની મળે છે.
રાખી સૂડીની વચ્ચે ,ને પૂછો તબિયત
ને કહે ઈશ આ રીતે સૌને ઘડે છે
સળગે ભીતર એને ભીતર ઠારી દેજો,
આગ તો ચોમેર ,ને ભડભડ બળે છે.
જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ