પાતાંજલ સૂત્રમાં યોગના ચાર પ્રકાર વર્ણવ્યા છે. ૧. કર્મયોગ ૨. ભક્તિયોગ ૩. રાજ્યોગ ૪. જ્ઞાનયોગ. જે પૈકી ભક્તિયોગમાં ભગવાનના નામનું પવિત્ર સ્મરણ કરવાનો મહિમા છે. પવિત્ર નામ એ મંત્ર છે અને ‘મન’ અને ‘ત્ર’ અક્ષરથી બનેલા મંત્ર શબ્દનો અર્થ થાય છે-વિચારવું, રક્ષણ કરવું કે મુકત કરવું. અહર્નિશ મંત્ર જપના રટણથી ઉત્પન્ન થતો ધ્વનિ નિસગૉતીત શક્તિનાં આંદોલન જગાવે છે. જેનાથી તે મંત્ર નામને અનુરૂપ દેવતાનું સ્વરૂપ પ્રગટ થાય છે. આ સ્વરૂપ દર્શનથી વ્યક્તિમાં દિવ્યતા પ્રગટ થાય છે. જે અંત: કરણમાં પ્રવેશે છે. તેવા સાધકના દેહનું પ્રત્યેક અંગ દિવ્ય-તેજોમય બની જાય છે.