સાવ નિખાલસ થવાની જીદમાં
કરગર્યા માણસ થવાની જીદમાં
શું થવુ? એવી દ્વિધામાં આપણે;
થઈ ગયા બેબસ, થવાની જીદમાં
ઉજડે છે આજ પણ ઘર કેટલાં !
ખોરડે વારસ થવાની જીદમાં
વાળની બરછટ સફેદી પૂછતી;
ક્યાં જશુ? આરસ થવાની જીદમાં.
નોતરું આપી ગયા વંટોળને;
કોડીયાં ફાનસ થવાની જીદમાં
લોહ મુઠ્ઠીમાં અગન ભરતા ગયા;
આપણે પારસ થવાની જીદમાં !!