મને ખરેખર ખીજ ચડે છે..
આજ કાલ ઘણાએ જોયું, અનુભવ્યું છે કે સમાજના દરેક વર્ગમાં મહેનત વગર કમાઈ લેવું એ હોંશિયારી અને સદગુણ ગણાય છે. એ દુષણ કદાચ સમાજના 90% લોકોમાં ઘર કરી ગયું છે અને આજથી વીસેક વર્ષ પહેલાં હતું તે કરતાં ઘણા જ વ્યાપક પ્રમાણમાં છે.
પછી એ 2 કીમી જવા 50 રૂ. માંગતો 'ગરીબ' રીક્ષા વાળો કે 500 રૂ. ના કામ ના 5 હજાર માંગતો પ્લમ્બર, કડીયો, સુથાર કે એવો કારીગર, પેટ્રોલ બે લીટરે બંધ કરી ફરી 50 પોઇન્ટે બંધ કરી 3 લીટર કરતો પેટ્રોલવાળો, નિઃશુલ્ક ગાયત્રી યજ્ઞ કહી 'મરજીથી' હજાર માંગતો પુરોહિત, 'આમ તો જરૂર નથી, ટેસ્ટ કરાવો તો 2 હજાર ટેસ્ટ ના થાય, મારી અમુક ટ્રીટમેન્ટ પંદરસો માં કરાવો' કહી 300 ની કન્સલ્ટિંગ ફી સાથે ખંખેરતા ડોક્ટર, દુકાનમાં બેઠે બેઠે નજીકના લોકોને ખાલી મકાન બતાવી બે ભાડાં દલાલી લેતો પાનવાળો કે ધોબી, ધરાર ઓછા માર્ક આપી ટ્યુશનની ફરજ પાડતા 'ગુરુ બ્રહ્મા', 2 હજાર શબ્દોની ખૂબ મોટી જાહેરાતો મંગાવી 100 રૂ. પુરસ્કાર આપતો સામયિક ચલાવનારો, વસ્તુ પર 100% ઊંચું લેબલ મારી 50% ડિસ્કાઉન્ટ ને નામે એક સારા સાથે એક નકામું વસ્ત્ર વેન્ચતો મોલ નો કાપડીયો, રાજકપુરનું ગીત 'કૌન નહીં હૈ ચોર હૈ કી મેં જૂઠ બોલિયા? કોઈ ના' (એ ગીત પણ આઝાદી પછી તુરત બગાડવા માંડેલ વૃત્તિઓ પર જ ફિલ્મ જાગતે રહો નું છે).. આ ઠેર ઠેર જોઈ સાચે જ લોહી ઉકળી ઉઠે છે. મહેનત કરી સાચું વળતર જરૂર મેળવો પણ આ રીતે કમાણી સમાજ અને દેશના અર્થતંત્રને કોરી ખાય છે. કાળક્રમે તમને જ ખોખરા કરી નાખે છે.
બીજે બધા સત્યયુગ માં જીવનારા છે એવું નથી પણ ભારતમાં છે તેટલું પાકિસ્તાન બંગલાદેશ છોડી ક્યાંય નથી.
જ્યારે આવા કોઈ વગર બંદૂકે લૂંટતા ' મહેનતકશ'નો ભોગ બનવું પડે ત્યારે હું કશું તેને કરી શકતો નથી પણ તીખા વાક્યોમાં બે ચાર સંભળાવી તે ખોટું કરે છે એ તો જણાવી દઉં છું. ઘરના કહે છે તમે માર ખાશો ક્યારેક પણ એ વખતે મને ખરેખર ખીજ ચડે છે.
કોણ જાણે, જેમ ભારતની વધુ ઉત્તર તરફના વતની હોય તેમ પંજાબને છોડી આ વૃત્તિ વધતી જાય છે અને એકદમ કહેવાતા શ્રમજીવીઓ કે એકદમ સોફીસ્ટીકેટેડ ઉપરના વર્ગમાં આ વૃત્તિ લગભગ સો ટકા જોઈ છે.
'ગાંધી આવે કે સરદાર કે મોદી, અમને કોઈ ફરક પડવાનો નથી' કહેનારાઓનો કોઈક પ્રતિકાર સાવ નાનો તો નાનો, કરવાની જરૂર છે.