વર્ષમાં 12 સંક્રાંતિ પૈકી મકરસંક્રાંતિ સૌથી મહત્વની, જાણો ક્યાં સમયે કરવું દાન
નીલગગનમાં રંગબેરંગી પતંગો ઉડાડવા અને અન્ય પતંગોના પેચ કાપવા પૂરતી જ ઉત્તરાયણ સીમિત નથી. તેનું ધાર્મિક રીતે પણ ઘણું મહત્ત્વ છે. જે મુજબ, ચાલુ વર્ષે ૧૪ જાન્યુઆરીએ સાંજે ૭.૫૩ વાગ્યે સૂર્યદેવ રાશિ પરિવર્તન કરશે. જેને પગલે બીજા દિવસે એટલે કે ૧૪મીએ દિવસભરનો પુણ્યકાળ રહેશે. નોંધનીય છે કે, ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ પર્વ એકબીજાના પર્યાય હોવા છતાં ધાર્મિક રીતે મકરસંક્રાંતિ પર્વની ઉજવણીનો મહિમા મોટો છે. ૧૪ જાન્યુઆરીએ સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે જ મકરસંક્રાંતિની ઉજવણી કરાઇ છે. તે દિવસે દાન, પુણ્ય, સેવાકાર્યનું પણ ભારે મહત્ત્વ છે. જે મુજબ ચાલુ વર્ષે ૧૪ જાન્યઆરીના સોમવારે સાંજે ૭.૫૩ વાગ્યે સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. તે સાથે જ ધનારક એટલે કે કમુરતા પૂરા થશે અને માંગલિક કાર્યોનો આરંભ થશે. જ્યારે મકર રાશિમાં પ્રવેશ સાથે જ દાન, સેવા સાથે મકરસંક્રાંતિની રંગારંગ ઉજવણી થશે. વળી, સાંજે રાશિપરિવર્તનને કારણે બીજા દિવસે મંગળવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો પુણ્યકાળ રહેશે. તે સમય દરમિયાન સેવા-દાન કરી શકાશે.
સંક્રાંતિના વાહન, વસ્ત્ર, આભૂષણ પણ એક નજર
સંક્રાંતિનો પુણ્યકાળ મંગળવારે હોવાથી તે દિવસે દાન કરી શકાય છે. આ વર્ષે સંક્રાંતિનું વાહન સિંહ છે. ઉપવાહન હાથી છે. સફેદ વસ્ત્રો પહેર્યા છે. ઉંમરમાં બાળા છે. દેવ જાતિની સંક્રાંતિ છે. હાથમાં ભુશુન્ડિ (એક પ્રકારનું પૌરાણિક અસ્ત્ર) ધારણ કર્યું છે. કસ્તુરીનું તિલક લગાડયું છે. હાથમાં પુષ્પ ચંપા છે. અલંકારમાં પ્રવાલના આભૂષણ છે. નક્ષત્ર દ્ધાંક્ષી છે. દક્ષિણ દિશાથી આવીને ઉત્તરમાં જઇ રહી છે. તેનો ચહેરો પશ્ચિમ દિશા તરફ અને દૃષ્ટિ ઇશાન ખૂણામાં છે.
સંક્રાંતિ નિમિત્તે ભગવાન શિવને અભિષેક ફળદાયી
સંક્રાંતિએ જે વસ્ત્રો ધારણ કર્યા છે તેનું દાન માત્ર કર્મકાંડી બ્રાહ્મણને કરો. સંક્રાંતિના દિવસે સફેદ તલનું તેલ પોતાના શરીર પર લગાડી અને તલ મિશ્રિત તેલથી સ્નાન કરવું જોઇએ. તલ, ગોળ, શિર્ડી, તાંબાના વાસણો, સફેદ વસ્ત્રનું દાન કરવું જોઇએ. તલ, પાયસ (ગાયના દૂધમાં નાખેલો ભાત) અને ગાયના ઘીનું મિશ્રણ કરીને સૂર્યદેવનું હવન કરવું અથવા કરાવવું. આ દિવસે ભગવાન શિવને ગાયના દૂધનો અભિષેક કરવો અને યથાશક્તિ પ્રમાણે બીલીપત્ર ચઢાવવા જોઇએ.
વર્ષમાં ૧૨ સંક્રાંતિ પૈકી મકરસંક્રાંતિ સૌથી મહત્વની
વર્ષમાં સૂર્યદેવના રાશિ પરિવર્તન સાથે ૧૨ સંક્રાંતિ આવે છે. દરેક સંક્રાંતિ વેળાએ દાન, પુણ્યનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. પરંતુ મકરસંક્રાંતિ સૌથી મોટી હોવાથી તેનો મહિમા ઔર વધી જાય છે. ધનારક બાદ સૂર્ય પોતાના દુશ્મન શનિની મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસથી પોંગલ સહિતના પર્વોની શરૂઆત થાય છે અને તે દોર હોળી સુધી ચાલે છે. ઘઉંની કાપણી, ધરતીની પૂજા, વરુણદેવની પૂજા પણ આ દિવસથી શરૂ થાય છે. પવન દિશા બદલે છે. તેને આધારે પાકની સ્થિતિ અને વર્ષાઋતુ નિર્ધારીત થતી હોય ધાર્મિક ઉજવણી થાય છે.