આ એક ચમત્કારીક છોડ જો હશે તમારા આંગણે તો રહેશે તમામ બુરી બલા સો ગાઉ દૂર
ઘરમાં રહેલી વસ્તુઓ આપણા ઘરના વાતાવરણને અસર કરતી હોય છે. તમે કેવી રીતે ઘરની વસ્તુઓ રાખો છો તેના પર આધાર રાખે છે ત્યાંનુ વાતાવરણ. આજે આપણે એવા જ એક ચમત્કારીક છોડની વાત કરીશું જેને ઘરમાં લગાવવાથી થશે ખુબજ ફાયદો.
તુલસી ક્યારામાં ભગવાન શ્રીકૃષ્ણનો વાસ હોવાનું કહેવાયું છે. એટલે જ તુલસી ક્યારાને માધવવૃંદ પણ કહે છે. આંગણે તુલસીના ક્યારાનું અનેરું જ મહત્વ રહેલું છે. તુલસી વગર ભગવાનને ધરાવેલો કોઈપણ પ્રસાદ અધૂરો ગણાય. તુલસીના પાન મૂકવાથી જ પ્રસાદ ભગવાનને ચઢે છે. એટલું જ નહીં, પરંતુ તુલસી ક્યારાનું પોતાનું આગવું મહત્વ રહેલું છે.
તુલસીના છોડ સાથે આધ્યાત્મિકતા વણાયેલી છે. આપણા પુરાણો અને ધાર્મિક કથાઓમાં પણ તુલસીનો ઉલ્લેખ છે. તુલસીને ધાર્મિક છોડ માનવામાં આવે છે. તુલસીનો છોડ ઘરમાં હશે તો ભૂત-પ્રેત જેવી મેલી વસ્તુ ઘરમાં નહીં આવે. ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર છે. ભગવાન કૃષ્ણને સત્યનારાયણની કથામાં ધરાવવામાં આવતા પ્રસાદમાં અગર તુલસીનું પાન ન મૂકવામાં આવે તો તે પ્રસાદ અધૂરો ગણવામાં આવે છે.
કઈ દિશામાં મૂકશો તુલસી ક્યારો?
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તુલસી ક્યારો ઉત્તર કે પૂર્વ દિશામાં કે પછી ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો. તુલસીને કુંડામાં રોપીને યોગ્ય દિશામાં મૂકી શકાય. ઉત્તર અને પૂર્વ દિશાને શુભ માનવામાં આવે છે. તુલસીપત્રની ગણના દેવ સ્વરૂપે કરવામાં આવે છે એટલે જ દેવના નૈવેધમાં તુલસી પત્ર ફરજિયાત છે.
તુલસીના પાનને સંધ્યા પછી ન તોડો
તુલસીના છોડ સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. તુલસીના પાન અમુક ખાસ દિવસોમાં ન તોડવા જોઈએ. ચંદ્રગ્રહણ, એકાદશી અને રવિવારના દિવસે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ. સૂર્યાસ્ત બાદ પણ પાંદડા ન તોડવા જોઈએ. આ વખતે તુલસીના પાન તોડવા એ અશુભ ગણાય છે.
તુલસીના વિવિધ પ્રકાર
કૃષ્ણ તુલસી, લક્ષ્મી તુલસી, રામ તુલસી, ભુ-તુલસી, નીલ તુલસી, સ્વેત તુલસી, વિષ્ણુ તુલસી, વન તુલસી, લીંબુ તુલસી વગેરે તુલસીના જુદા-જુદા પ્રકાર છે આ દરેક પ્રકારની તુલસીના ગુણ પણ જુદા-જુદા હોય છે.
તુલસી ક્યારાને ઘરની બહાર જ લગાવો
તુલસી ક્યારાને ઘરની કે મંદિરની બહાર લગાવવા પાછળ પણ એક રોચક વાયકા છે. કહેવાય છે કે, તુલસીના પતિના મૃત્યુ બાદ ભગવાન વિષ્ણુએ તુલસીને પોતાની પ્રિય સખી રાધાની માફક ગણી હતી. એક દિવસ તુલસીએ વિષ્ણુને કહ્યું કે તે તેમના ઘરે આવવા માંગે છે. પરંતુ ભગવાન વિષ્ણુએ તેમને ના કહેતા જણાવ્યું કે, મારું ઘર ફક્ત લક્ષ્મી માટે છે, પણ હું તમને મારા હૃદયમાં સ્થાન આપું છું. તુલસીએ કહ્યું ઘરમાં નહીં તો ઘરની બહાર સ્થાન આપો ત્યારથી તુલસી ઘર અને મંદિરની બહાર જ રોપવામાં આવે છે.
તુલસીના ઔષધિય ફાયદા
તુલસીના પાનમાં ભૂખ વધારનાર તત્વ હોય છે. રોગમાં સુધારો ન થતો હોય તો નિયમિત તુલસીના સેવનથી ફાયદો થાય છે. કફ શરદીમાં તુલસીનો રસ પીવાથી સારૂ રહે છે.