Offering Food To God Gives Many Profits. It Wills Exemption From Five Debts
ભગવાનને ભોગ લગાવાના છે અનેક ફાયદા, મળે છે પાંચ ઋણમાંથી મુક્તિ
પશ્ચિમના દેશોમાં જ્યારે લોકો જમવાનું શરૂ કરે તે પહેલાં પ્રભુનો આભાર માનવાની નાનકડી વિધિ કરે છે. સહેજ વાર આંખો બંધ કરી, તેઓને મળતા ભોજન માટે હે “ઇશ્વર, આ તારી જ કૃપા છે” તેવું મનોમન બોલીને પછી જ ભોજન આરોગવાનું શરૂ કરે છે.
આપણે ત્યાં રસોઇઘરમાં ભોજન તૈયાર થઇ જાય એટલે થાળમાં દરેક વાનગીઓનો થોડો-થોડો અંશ મૂકી તે થાળ પ્રભુના પૂજાખંડમાં લઇ જઇ તેમને ધરાવવામાં આવે છે. તે પછી તે ધરાવેલું ભોજન અન્ય રસોઈમાં ભેળવી દેવામાં આવે છે અને ત્યાર પછી તેને બધાને પીરસવામાં આવે છે. ક્યારેક વ્યક્તિ બહાર ગઇ હોય અને બહાર જ ભોજન લેવાનો પ્રસંગ ઉભો થાય તો તે વ્યક્તિ ભોજન લેવાનું શરૂ કરતા પહેલાં એક નાનકડા કોળિયાને થાળી ફરતું ફેરવી થાળીની બાજુમાં જમીન પર મૂકીને પછી જ ભોજન લેવાનું શરૂ કરે છે. આ વિઘિ પણ ભગવાને અન્ય ધરાવવા સમાન જ ગણવામાં આવે છે.
આગળ જાણો ભગવાનને ભોગ લગાવીને ભોજન કરવાથી શું ફાયદા થાય છે......
ભારતીય પરંપરામાં આવું કરવા પાછળનો હેતુ પરમેશ્વરની શક્તિઓનો આદરપૂર્વક ઉપકાર માનવાનો છે. પરમેશ્વર સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સર્વવ્યાપી છે. આખી સૃષ્ટિમાં તેઓ એક એવા અદ્રશ્ય છતાંય સર્વવ્યાપી સ્વરૂપ છે, જેમના થકી આપણે ઠંડી, તડકો અને વરસાદ મળે છે. જમીનમાંથી ધન-ધાન્ય અને ફળફળાદિ મળે છે. આપણે મહેનત કરીને જે કંઇ મેળવીએ છીએ તે બધું જ તેમની દેણ છે. તેથી આપણા જીવનને ટકાવી રાખનાર અન્નને આરોગતા પહેલાં આપણે તે પરમતત્વનો આભાર માની “પ્રભુ તારું જ છે તે તને અર્પણ કરીને પછી હું તેનો આહાર કરીશ” તેવું બોલીએ છીએ.
આટલી નાનકડી ક્રિયા કરવાથી આપણો અન્ન અને જમવાની ક્રિયા તરફનો સમગ્ર દ્રષ્ટિકોણ બદલાઇ જાય છે. પ્રભુને ધરાવવાનું અન્ન સ્વાભાવિક રીતે જ શુદ્ધ અને સાત્વિક હોય છે એટલે આપણે પણ તેવું જ શુદ્ધ અને સાત્વિક ભોજનનું સેવન કરીએ છીએ જેથી આપણા મન અને શરીર ઉપર સારી અસર પડે છે.
કેટલાંક લોકો જમતાં પહેલાં થાળી પાસે પાંચ કોળિયા મુક્યા પછી જ જમવાનું શરૂ કરે છે. આ ક્રિયા કરવા પાછળનો હેતુ પાંચ તત્વોને યાદ કરીને તેમના ઋણને સ્વીકારી આભાર માનવાનો છે. આ પાંચ તત્વો આ પ્રકારે છે.
1-દેવ ઋણઃ- જેમાં સૂર્ય, ચંદ્ર વગેરેનો સમાવેશ થાય છે.
2-પિતૃ ઋણઃ-પૂર્વજોના વારસા તથા કુટુંબના સંસ્કારનો સમાવેશ થાય છે.
3-ઋષિ ઋણઃ- પેઢીઓ સુધી આપણઆ ધર્મ અને સંસ્કૃતિનું જતન કરવા માટે ગુરૂજનોનું ઋણ.
4-મનુષ્ય ઋણઃ- સમાજના બધા સાથી બાંધવોના સહકાર બદલ તેઓનું ઋણ.
5- ભૂત ઋણઃ- મનુષ્ય સિવાય અન્ય જીવો જે આપણી સેવા કરે છે તેમની પ્રત્યેનું ઋણ.
આમ પાંચેય ઋણ અદા કર્યા પછી ભોજન કરવાથી આપણે સંતોષ સાથે અન્નને આરોગી શકીએ છીએ.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો ભોજન શરૂ કરતાં પહેલાં શરીરને થોડો સમય આરામ આપવાની જરૂર હોય છે. કામ પતાવી ઝડપથી જમવા બેસી જનાર વ્યક્તિ અથવા ઝડપી ભોજન કરનાર વ્યક્તિને ભોજન બરાબર પચતું નથી. અન્ન શક્તિદાતા તત્વ છે. તેને શાંતિથી, સ્વસ્થ ચિત્તે આરોગવું જોઇએ. આથી ભોજન પહેલાં થોડો સમય શાંતિનો મેળવવા માટે આ પરંપરાનું સર્જન આપણા પૂર્વજોએ કર્યું હશે. કેટલાંક સ્ખળોએ ભોજન પહેલાં નાનકડી પ્રાર્થના કરવામાં આવે છે. આ બધાનો હેતું શરીર અને મનને ભોજન લેતાં પહેલાં શાંત અને સ્વસ્થ કરવાનો જ હોય છે.