ગામની યાદ
યાદો હજુયે ચડે છે હીબકે,
જ્યારે યાદ ગામની આવે.
ગામનું પાદર, ગામનો ઓટલો,
ગામની લીંબડી, ગામનો વડલો હજુયે યાદ આવે.
જ્યારે યાદ ગામની આવે.
માટીમાં રમતા, તળાવે ફરતા,
મોટેથી હસતા, ખોબો પીલુડીનો ભરેલો હજુયે યાદ આવે.
જ્યારે યાદ ગામની આવે.
મંદિરનો ઘંટ અને ચકલાંનો શોર,
બળદગાડાનો રણકાર અને વલોણાનો ઘમકાર હજુયે યાદ આવે.
જ્યારે યાદ ગામની આવે.
મહેકતી માટી, મહેકતા ફૂલ,
શેરીના બાળકો ને એ સોળ વરસની કન્યા હજુયે યાદ આવે.
જ્યારે યાદ ગામની આવે.
લંગડી, ખોખો, નારગોલ, ગીલી ડંડો,
પકડ દાવ ને બાળપણની દોસ્તી હજુયે યાદ આવે.
જ્યારે યાદ ગામની આવે.
- હિતેશ ડાભી 'મશહૂર'