Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક યુવાન છોકરી મારા ઘરે કામ કરવા આવતી... દિવાળીના તહેવારોમાં ઘરે કેટલાક મિત્રો આવેલા હોવાથી જમવાનું પતતા રાતના દસ વાગી ગયેલા. સાંજથી જ મારા ઘરે આવી ગયેલી એ છોકરીને રાતના વાસણ સાફ કર્યા બાદ એના ઘરે જવાનું હતું. એ દિવસે બધું કામ પરવારતા રાતના ઘણું મોડું થઈ ગયેલું.

એ ઘરની બહાર નીકળી ત્યારે દરવાજો ખખડવાનો અવાજ આવેલો, હું ઉપર લોબીમાં જ ઊભી હતી મેં નીચે નજર કરી તો એ એકલી જઈ રહી હતી. મેં એને બૂમ મારીને પાછી બોલાવી.

“રોજ તો તારા પપ્પા લેવા આવે છે, આજે કેમ એકલી જઈ રહી છે?" એ પાછી આવી એવો જ મેં સવાલ કર્યો.

“આજે પપ્પા નથી આવ્યા." કારણ આપવાનું એને ટાળ્યું, એની આંખો સામે જોઇને મને પૂછવાનું યોગ્ય ના લાગ્યું.

મેં ઘરમાં જઈને મારા સાસુને વાત કરી. એમને રાતના દસ વાગે સૂઈ જવાની ટેવ... બેઠા હોય તોય આંખો બંધ થઈ જાય, એ મારી વાત સાંભળીને તરત બેઠા થયા અને એ છોકરીને અંદર બોલાવી કહ્યું,

“અડધી રાત્રે ક્યારેય એકલા ઘરે નહિ જવાનું. તારા પપ્પા લેવા ના આવે તો મને કે નિયતીને કહી દેવાનું." ઘરના બધા પુરુષો એમના મિત્રો સાથે વાતો કરવામાં બીઝી હતા, એમણે મને કહ્યું, “આપણે બે મૂકી આવીએ?"

“હું મૂકી આવું છું, તમે સૂઈ જાઓ."

“તને અડધી રાત્રે એકલી મોકલતા મારો જીવ ચાલે?"

મેં ગાડી બહાર કાઢી ને એ બંન્ને પાછલી સીટ પર બેઠા. એ છોકરીને એના ઘરે ઉતારી પાછા ફરતા હતા ત્યારે આખા રસ્તે મારા સાસુ નજર નાખતા રહ્યા...

ઘરે પાછા ફર્યા ત્યારે ગાડીનો અવાજ સાંભળી મારા દિયર બહાર આવેલા, આખી વાત જાણી એમણે કહ્યું, “તમારે લોકોએ જવાની ક્યાં જરૂર હતી? મને કહ્યું હોત તો હું એને બાઈક પર મૂકી આવત."

મારા સાસુ કહે, “જવાન છોકરીને, જવાન છોકરાની બાઈક પર બેઠેલી જોઈ લોક વાતો કરે અને એની આબરૂ જાય!"

મને થયું વાહ... સાસુમા! છોકરીની મદદ કરવી જોઈએ એટલું મારી સમજમાં આવેલ પણ આપણે જ કેમ મૂકવા ગયા એ વિષે હવે ખબર પડી!

આ વાત મને એટલે યાદ આવી કે આપણે બધા વાતો કરીએ છીએ, છોકરીઓની છેડતીના કેસ રોકવાની બધી જવાબદારી સરકાર અને પોલીસ પર નાખીને આપણે બેસી રહીએ...એ કેટલું યોગ્ય? અમારા ઘરની આસપાસ બધું સેફ છે, રાત્રે એક દોઢ વાગે પણ મહિલાઓ એકલી એમના વાહન પર આવતી જતી જોવા મળે...છતાં અમારા ઘરે આવેલી છોકરીને સુરક્ષિત એના ઘરે પહોંચાડવી અમને અમારી જવાબદારી લાગી અને અમે એ કર્યું...! જો આપણે બધા આવું કરતા હોઈએ, થોડીક આપણી જવાબદારી નિભાવતા હોઈએ તો કદાચ છેડતીના બનાવો ઓછા થઈ શકે...!

આપ સૌને નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111302755
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now