એકીટશે જોતી આંખોથી બચવા,
અંબોડામાં સ્વતંત્રતા બાંધી લીધી છે ,
હા ! દીકરી બનીને અહીં જીવી લીધું છે ..
આ કાજળ કયાંક નઝરે ન ચડી જાય ,
ઝુકાવી પલકોને ખુબ સંતાડ્યું ,
અને જે બિંદીથી રૂપ સંપૂર્ણ થાય ,
તેને ક્ષણ ભરમાં ઉતારી લીધી છે ,
હા ! દીકરી બનીને અહીં જીવી લીધું છે ..
સન્માન તો જળવાશે ને ?
અરે ! ક્યાંક મર્યાદાનો ભંગ ન થઈ જાય ,
આમાં કંઈક ખોટું તો નઈ દેખાય ને?
અંતે વિચારોની સંમતિથી એક ડ્રેસ ખરીદી લીધી છે ,
હા ! દીકરી બનીને અંતે જીવી જ લીધું છે ..
જેને શોખનું મહેણું મળ્યું છે ને ,
સુંદરતા સાચવવાનું પ્રતીક કહે જેને ,
હા એજ , ઓઢણી પાછળ મારો શ્વાસ રૂંધાઇ જાય છે ,
મોં પર બાંધી તેને સુંદરતા છુપાવી લીધી છે ,
હા ! દીકરી બનીને ઘણું જીવી લીધું છે ..
ઉત્સાહ આગળ ડર જીતી ગયો ને જયારે,
કામમાં બઢતી છોડી દીધી હતી ,
ઘરે આવતા હવે મોડું નઈ થઈ જાય ,
નજીક માં જ નોકરી શોધી લીધી છે ,
હા ! દીકરી બનીને અહીં જીવી લીધું છે ..
© દીપ્તિ ઠક્કર