મોહ સઘળો મૂકવાનો હોય છે,
શ્વાસ જ્યારે છૂટવાનો હોય છે.
રોજ છો મોઢે લગાડીને પીઓ,
જામ આખર ખૂટવાનો હોય છે.
જે ઘડી ઊંચાઈને પામો તમે,
એ વખત બસ, ઝૂકવાનો હોય છે.
હા, ભરોસો છે મને એ વાત પર,
કે ભરોસો તૂટવાનો હોય છે.
કાફિયાઓથી ભર્યો હુક્કો ગઝલ!
મોજથી એ ફૂંકવાનો હોય છે.