"આજે તો નક્કી કરી જ લીધું હવે તો નોકરી છોડયે જ છુટકો હવે મારા થી નોકરી નહીં થાય." આખો દિવસ ઢસરડો કરી ને અંતે મળે શું, ગાળો જ?
નક્કી કરી ઘર તરફ પ્રયાણ કર્યું.
" હે ભાઈ! બહુ દિવસ થઈ ગયા છે. આપણું કાંઈક કરો હવે."
સામે કરિયાણા વાળા વેપારી મળ્યા. "વારું આ મહિના ના પગાર માંથી ગોઠવણ કરી આપું ભાઈ". મેં જવાબ આપ્યો.
" ભાઈ છેલ્લા ત્રણ મહિના ના સમુહ ખર્ચ પેટે ના પૈસા મળેલ નથી". માળો ચઢતા સોસાયટી ના કારભારી મળ્યા.
"હશે કાકા આ પગારે મેળ પાડી દઉં." જવાબ સાંભળી કાકા મો બગાડી ચાલ્યા ગયા.
ઘર માં પ્રવેશતા સાથે જ બાની બુમરાણ સંભળાઈ. "અરે મારી દવા અઠવાડિયા પહેલા પુરી થઈ ગઈ છે, દાકતર ને પણ બતાડવાનું છે. અને ઘરમાં દુધ-શાક, અનાજ-કરિયાણું પણ પતી ગયું છે."
"હા ભાઈ હા! મને બધી જ ખબર છે. છેલ્લા બે મહિના થોડી તકલીફ હતી. આ મહિને પગાર આવે ત્યાં ગોઠવણ કરી દઉં."મેં જવાબ આપ્યો.
ઘરે પહોંચ્યા સુધી માં નોકરી છોડવા નો વિચાર ધૂળધાણી થઈ ગયો. "આખી જિંદગી ઢસરડો જ કરવાનો છે." નિસાસો નંખાઈ ગયો.