હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
લઈ છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતાતણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
નિર્વ્યાજ પ્રેમ પ્રતિક.....એ.... મા
અમૂર્ત ઈશ્વર નું મૂર્ત સ્વરૂપ......એ મા
દલપતરામ