ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે…
મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે…
તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે…
કેમ તારામાંથી હું બહાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે…
ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે…
ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે…❜
- અનિલ ચાવડા