ધોધમાર વરસાદ વરસી રહ્યો છે... ત્યારે મને મારી જ નવલકથાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...
“જ્યારે ધોધમાર વરસાદ ચાલું હોય, તમે ગમે એટલી કોશિષ કરી લો થોડાંક તો પલળવાના જ.. પ્રેમનું પણ એવું જ છે જ્યારે કોઈ એક તરફથી સતત વરસતું રહે બીજા છેડે અસર થવાની જ..!"
- નિયતિ નવલકથામાં આવેલો એક ટુકડો.
“કોઈ જ અપેક્ષા વગરનો પ્રેમ મેં કર્યો છે...હું સમજણી થઈ ત્યારથી એને ચાહું છું! એ જ એક વ્યક્તિ છે જે ગમે તે ઘડીએ મારા ચહેરા પર સ્મિત લાવી શકે છે... સ્મિત એટલે જ જાણે એનો પર્યાય! એ કોઈ માણસ નથી કે નથી કોઈ ઠોસ વસ્તું જેને હું ક્યારેક સ્પર્શી પણ શકું...અને છતાંય હું એને ચાહું છું આ મુશળધાર વરસતા વરસાદની જેમ જ... વાદળા ખાલી થયે આ વરસાદ તો અટકી જશે પણ મારી ભિંતર જે વરસી રહ્યું છે એ તો અમર છે, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો ખરું... એ પછી જો જીવન હશે તો ત્યાં પણ મારું વરસવાનું બંધ નહિ થાય. ખબર છે સામે ભીંજાવા ઊભેલું કોઈ નથી અને તોય સતત વરસવું હવે મારી આદત બની ગઈ છે... એક અહેસાસ છે મારા દિલની ભીતરથી ઉઠતો કે કોક, ક્યાંક મારી સાથે જોડાઈ રહ્યું છે, મારી લાગણીના અવિરત પ્રવાહમાં પલળી રહ્યું છે... એની સાથે મારે કોઈ સંબંધ નથી બાંધવો, બસ એમ જ સાત કદમ સાથે સાથે ચાલવું છે. એનો હાથ મારા હાથમાં હોય એટલી પણ અપેક્ષા નથી પણ એ સાથે છે એ અહેસાસને મારે જીવવો છે!"
- ગુલાબ નવલકથામાં આવેલો એક ટુકડો.
ક્યારેક ઘણું બધું લખ્યા પછી એવું લાગે જાણે હું ખાલી થઈ ગઈ.. મારી અંદર જે કંઈ કહેવા જેવું હતું એ બધું કહેવાઈ ગયું. હું બહાર નીકળી વરસતા વરસાદને કે નવી ખિલેલી કુંપળના લીલા રંગને જોતી હોઉં અને તરત એ લીલોતરી મને સ્પર્શી જાદુ કરી જાય... એક નવી ઊર્જા, કેટલીય વાતો મારામાં ભરી દે જેને હજી મારે લખવાની છે! શા માટે હું લખું છું એ સવાલ જ નિર્થક છે એનાથી સારું પૂછો, શા માટે હું જીવું છું?
© Niyati Kapadia.