"મા, આજેય કાંઈ ખાવા ના મળ્યું..?" ઉઘાડા શરીરે ત્રણ દરવાજાની કમાન પાસેની અંધારી ગલીમાં સૂતેલો આશરે સાતેક વર્ષના બીમાર દીકરાનો આ સવાલ ફરીથી તેની ગરીબીથી સૂકાઈ ગયેલી વિધવા માના હૈયું ચીરતો રહ્યો. આગળની ગલીમાં લગ્નપ્રસંગના મંડપેથી ધૂતકરાયેલી પળ ફરી ફરી નજર સમક્ષ ઉપસી આવી. આકાશના ચંદ્ર તરફ ઈશારો કરતાં મા બોલી, "પે....લા ચાંદામામા લઇ આવશે.. હમણાં થોડીવાર સૂઇ જા..!" પાસેથી પસાર થતી મોંઘીદાટ ગાડીના એફ.એમ.થી ન્યૂઝ સંભળાયા,'આજે મોડી રાત્રે ભારત ચંદ્ર પર પહેલો કદમ મૂકશે..!' આ જોઈ ચંદ્ર જાતે જ કાળા વાદળ પાછળ ઢંકાઈ ગયો.
(ડૉ. સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝ)
નોંધ. અહીં ચંદ્ર પર જવાના પ્રયાસ સાથે કોઈ જ સંબંધ નથી. દેશનો પ્રયાસ બિરદાવવા લાયક છે જ, પણ હજુ આપણી પ્રાથમિક જરૂરીયાતો પણ ઘણી બાકી છે.