*નયનમાં હો ન નિંદર, રાત લાંબી લાગશે તમને*
*પગરખાં તંગ હો તો વાટ લાંબી લાગશે તમને*
*નીવડશે હાથનો અંગૂઠો જોજો સૌથી ઉપયોગી*
*ભલે ને આંગળી એકાદ લાંબી લાગશે તમને*
*મઝાની જે મુલાકાતો, બધી ટૂંકી જ પડવાની*
*પણ એની યાદ, વીત્યા બાદ, લાંબી લાગશે તમને*
*હિતેચ્છુ છે તમારા! જે કહે છે “સો વરસનો થા!”*
*શતાયુ થાવ તો સૌગાદ લાંબી લાગશે તમને*
*તમે મંડપ સજાવ્યો સુખને માટે, દુ:ખ તો જાનૈયા*
*હો વર એક જ, અને બારાત લાંબી લાગશે તમને*
*મળે બે જણ, ઉકેલે ગાંઠ, તો સહેલી ક્રિયા છે એ*
*મળે જો પંચ તો પંચાત લાંબી લાગશે તમને*
*વધે ખ્યાતિ, તમે વ્યાપો, તમારું કદ વધે, તો પણ*
*કબર અંતે તો અડધો હાથ લાંબી લાગશે તમને*
*‘રઈશ’ બન્ને રીતે અકળાવશે, એ દીર્ઘસૂત્રી છે,*
*એ પાળે મૌન લાંબુ, વાત લાંબી લાગશે તમને!*
_k@lpesh