વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં ?
વીજળી ઝબકી ને વાદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં
આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં !
રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે તારા નામમાં !
ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઈ કાચા ઠામમાં
- આદિલ મન્સૂરી