મફતમાં ચપટીભર 'ના' માંગવાની જીદ પકડી છે ,
ખુદાએ ખોબે -ખોબે આપવાની જીદ પકડી છે .
એણે સપનાનું તોરણ બાંધવાની જીદ પકડી છે,
અને મેં રાત આખી જાગવાની જીદ પકડી છે.
બીજાના દિલ સુધી જાવું હિમાલયની સફર સમજો,
કઠિન છે પથ, છતાં મેં ચાલવાની જીદ પકડી છે.
અગાસીમાં ખીલે છે રોજ રાતે ખ્વાબનો ચહેરો,
મેં એની ચાંદનીમાં દાઝવાની જીદ પકડી છે.
એ કોરી ડાયરીમાં ફૂલ આપે છે ઘણી વેળા,
મેં એના ખાલીપાને વાંચવાની જીદ પકડી છે.
ચઢાવો શીશ પર કે આપ મશળી દો હથેળીમાં,
ફૂલો એ તો જીવનભર મહેંકવાની જીદ પકડી છે.
પ્રણયનું બીજ બંજર ધરતી પર નાંખી દીધું સાગર,
બહૂ જિદ્દી છે એણે ઊગવાની જીદ પકડી છે.
કવિશ્રી રાકેશ સગર, સાગર, વડોદરા ...