ગણિત આપણું ખોટું ઠરે છે લાગણીના વિષયમાં.
હિસાબો ક્યાં કદીએ મળે છે લાગણીના વિષયમાં.
નફાખોટની ગણતરી નાકામિયાબ નીવડે છે અહીં,
સમર્પણ હંમેશા ઝળહળે છે લાગણીના વિષયમાં.
શું મળ્યું એ કદી ના પૂછો સવાલ તમારી જાતને,
આપીને જ્યાં કૈંક ઢળે છે લાગણીના વિષયમાં.
સુખના વિચારો નિજના નહીં સામેના પાત્રના હો,
અદ્રશ્ય વીજળી જેમ વહે છે લાગણીના વિષયમાં.
ગુમાવીને મેળવવાનો કદાચ ધારો હશે આ ક્ષેત્રમાં,
ભીતર કેટકેટલું સળવળે છે લાગણીના વિષયમાં.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.