'ઘર' નહોતું તો બધાંને 'આશરા' ઓછાં પડ્યાં..
'ઘર મળ્યું' તો માણસોને ખાટલા ઓછાં પડ્યાં' !
'માંગે એવું આપવાનું' બંધ કર ઈશ્વર હવે..
'આભ દઈશ' તો એમ ક્હેશે તારલાં ઓછાં પડ્યાં' !
નહિ તો દુશ્મનનું ગજુ શું કાંકરીચાળો કરે..
આપણામાંથી ખરેખર આપણા ઓછાં પડ્યાં !
મોત નામે માર્ગદર્શક એટલો હોંશિયાર કે..
જિંદગી, તારા દીધેલાં દાખલા ઓછાં પડ્યાં !
લાશમાં જો જીવ આવે, તો એટલું નક્કી..
બળતાં-બળતાં બોલશે કે લાકડાં ઓછાં પડ્યાં !