લગ્નમાં હસ્તમેળાપ બાદ તુરત વરકન્યાને આશિષ આપવા મંગલાષ્ટક મુખ્યત્વે વરપક્ષના જાનૈયા ગાતા. કુર્યાત સદા.. બોલી પુષ્પની પાંદડીઓ વેરવાની હોય છે. આજે આ રિવાજ લુપ્ત થઈ ગયો છે. છતાં, વર,કન્યા અને સગાઓ ના નામ કાઢી નાખી લેખકે લખેલ મંગલાષ્ટક કાવ્યોત્સવ અર્થે પ્રસ્તુત છે.
મંગળાષ્ટક
પ્રારથુ સહુ પ્રથમે હું ગણેશને, રિદ્ધિ સિદ્ધિ આપજો
આપો માં સરસ્વતી મને સદા, વિદ્યા ,સંગે રાખજો
કૈલાસેે થી વરસતા ફૂલો સુગંધના, ઉમા મહેશ વેરતાં
વર અને કન્યા પરે કહે, કુર્યાત સદા મંગલમ...
ઉગે છે ગિરિવર પરે ઉષા સ્વર્ણ કિરણ વેરતી
કન્યા જો મૃદુ હાસ પલ્લવ શી, સૌભાગ્ય ને કાંક્ષતી,
ભ્રાતા ઈચ્છે ભરી ખુશી, અખંડ સૌભાગ્ય બહેનનું
મંડપે સ્વજનો રંગે રાચી રહયા, કુર્યાત સદા મંગલમ..
સુવાસિત કમળ ખીલ્યાં સરવરે , ગાયે ,ઝૂલે પ્રેમ થી
ગાઓ સહુ કવિતા હર્ષ ભરી, જાઓ સહુ મંડપ ભણી
ગાઓ સહુ મલ્હાર આજ ભરી ઉરે, ગીતો દીર્ઘ આલાપમાં
વર ને કન્યા તણા મિલનના, કુર્યાત સદા મંગલમ…
આપે આશિષ આજ દાદા પૌત્રને, પ્રેમે નિરખતી દાદીજી
કાકા સહુ સાથ જો વદી રહ્યા, આનંદમાં લહેરતા
મામા આતિથ્ય કરે સહુનું, મામી ફરે મલકતી
મંદ વેગે વહે જલ પરે, વલયા ગતિ પ્રેરતી,
ગાયે ગાન પ્રકૃતિ વદી કુર્યાત સદા મંગલમ…
ખીલી સોળ કળા એ રે જો નભમાં, પૂર્ણિમા પ્રકાશતી
પગલાં હસ્ત ગ્રહી ભરે યુગલ એ, દામ્પત્યના માર્ગ થી
સ્વાસ્થ્ય ધન પ્રેમ સુખ રહે સદા, આશિષ તેને આપજો
ઉલ્લાસ ઉમંગ ઉરે ભરી કહો સહુ, કુર્યાત સદા મંગલમ..
સાધી જે પરબ્રહ્મ ઉન્નતસ્થિતિ , શંભુ ઉમા સંગથી,
રાધા-માધવ રાસમાં રત બન્યાં , જે પ્રીતના રંગથી,
સોહ્યું રામ સીતા નું યુગલ જે, સત્કર્મના યોગથી,
એ પ્રીતિ, રસઐક્ય દંપતી વરો, , કુર્યાત સદા મંગલમ..
સાથી સપ્તપદી કહે બની રહો , સુખ દુઃખમાં ઉભયના
માણો સુખો ધર્મ અર્થ ને કામ થી, પ્રેરો કુટુંબ ભાવના
જન્મો તણું મિલન છે ફરી થયું, આ જન્મના સાથમાં
ઐક્ય મન વચન કાયા તણું રહો, કુર્યાત સદા મંગલમ..
દીર્ઘાયુષ વરો સદા, સતત હો, ઉત્કર્ષ સૌભાગ્યનાં
વિદ્યાના સુવિલાસ હો, નિત નવાં, સ્ફુરો સ્મિતો સ્વાસ્થ્યનાં
કીર્તિ, વિત્ત, ક્ળા પ્રભુ ભરી રહો, સત્યમ શિવમ સુંદરમ બ્રહ્મા, વિષ્ણું મહેશ રક્ષણ કરો “કુર્યાત સદા મંગલમ”..
-સુનીલ અંજારીયા