ગઝલ
મને હું જ્યારે મળું છું ત્યારે હમેશાં એવો વિચાર આવે,
બધાનું જીવન હર્યું ભર્યું હો કદાચ એવી સવાર આવે.
પછી હું વાંધો નહીં જ કાઢું, ભલેને દીવાલ હોય પહોળી,
શરત છે બસ એટલી જ મારી, કે વચ્ચે બારી ને દ્વાર આવે.
વિચાર કરતા જ રહી ગયા ને વિચાર આગળ નહીં ચલાવ્યો,
પછી વિચારો, તમારી પાસે નવું તે શું ધારદાર આવે?
હતા તમે જે પ્રમાણે પહેલાં, નથી કશો ફેરફાર એમાં,
મળ્યાં ન ખુદને, ન ગુફ્તગૂ થઈ, પછી તો ક્યાંથી સુધાર આવે?
કદાચ નાટક કશેક અટકે તો માર્ગ જાતે જ કાઢવાનો,
તમે જુઓ કેમ રાહ એવી, બચાવવા સૂત્રધાર આવે...!
સુનીલ શાહ