ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મુકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.
કાચીંડો ભગવતગીતા પર બેઠો 'તો સંયોગવસ, બસ!
પંડિતો એમાં ય ઊંડા અર્થસંકેતો જુએ છે.
છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારનાં ઈંડાં મુકે છે.
ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.
પંડની પીડા વિશે કહેતા મને આવું સુજે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બુજે છે!
ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.
જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પુરે છે.
*~ અનિલ ચાવડા*