#MoralStories
' શૂન્ય નું સર્જન '
એકવાર એકડા પાછળથી પાંચ શૂન્ય એ રાજીનામુ લીધું .જોકે એકડો એકલો ન પડ્યો .તેણે બીજા શૂન્ય શોધી લીધા .પણ પેલા છૂટા થઈ ગયેલા પાંચ શૂન્ય એ નક્કી કર્યું કે હવે તે કોઈ ની પાછળ નહીં ગોઠવાય અને કોઈ ધંધાકીય રમતનો ભાગ નહીં બને.
એકલા શૂન્ય શું કરશે ? આમ તો એકલા શૂન્ય નું શું મહત્વ? પણ આ પાંચ શૂન્ય કોઇની પાછળ જોડાવા માટે સર્જાયા નહોતા.
તેમણે પોતાનું વર્તુળાકાર અસ્તિત્વ શોધી કાઢયું. કળાની દુનિયામાં પ્રવેશ કર્યો, જ્યાં કોઈ ગાણિતિક રમત ન હતી .અહીં તેમને ચોક્કસ ક્રમમાં રહેવા નો નિયમ ન હતો. તે પાંચ શૂન્ય ને કલ્પનાની પાંખો ફૂટી, ઉડવા માટે મળ્યું ખુલ્લું આકાશ..
હવે તે અલગ અલગ સ્વરૂપે ગોઠવાઈ ને સર્જન કરતાં અવનવા આકાર ...આંકડા સિવાયની પણ એક દુનિયા છે તે તેમના કદર દાનોને સમજાયું. કળાની આ દુનિયામાં કેટકેટલી વસ્તુ કે પ્રવૃત્તિના પ્રતિકરૂપે તેઓ પ્રદર્શિત થતા .ક્યારેક પાંચેય ગ્રુપમાં , ક્યારેક જુદા-જુદા ,છતાં દરેક સમયે તેમના પોતાના હોવાપણાની ગરિમા જળવાતી .અહીં ' ખાલી શૂન્ય ની શી કિંમત ? 'તેવા ભયજનક પ્રશ્ન પૂછનાર કોઇ નહોતું .બલકે તેમના વર્તુળાકાર પરિઘ દ્વારા સૂર્ય ,ચંદ્ર ,ઝાકળ જેવા પ્રકૃતિના પ્રતીકરૂપે ,તો ક્યારેક કલાત્મક રંગોળીમાં કે ગણપતિને ભાવતા મોદકની ત્રિકોણાકાર ગોઠવણીમાં કે કોઈ કાર્ટૂન ચિત્ર ની વિસ્મયકારક ગોળ આંખો માં શોભી ઊઠતા.
ત્યારે તેમને સમજાયું કે તે શૂન્ય નામના ગાણિતિક સ્થાન સિવાય પણ કંઈક છે ,જેમને માટે કોઈ અંક ની પાછળ જોડાવું ફરજીયાત નથી. પછી તો તે પાંચ શૂન્ય એ બીજા કેટલાય શૂન્ય ને કે જે જબરદસ્તીથી કે દુનિયાના ભયથી કે માનની અપેક્ષાથી કોઇ એકડા પાછળ જોડાયા હતા તેમને છૂટા કર્યા, કહો કે સ્વતંત્રતા અપાવી .
ધીરે-ધીરે તે શૂન્ય ના સમૂહે તેમના' અકબંધ વર્તુળાકાર અસ્તિત્વ 'ના માધ્યમથી દુનિયાને અવનવા પ્રતિક અને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો .જાણે એક નવી કેડી ની શરૂઆત થઈ.
ડૉ. સ્પર્ધા મેહતા
' નાસમજ '
Moral : દરેક વ્યક્તિ ના અસ્તિત્વ ની આગવી ઓળખ હોય છે.ફક્ત સાચા દૃષ્ટિકોણ ની જરૂર છે.