વુમન્સ ડે
પર દરેક મહિલાઓ ને સમર્પિત...
નથી હું લેખિકા કે નથી કોઈ કવિયત્રી
છતાં પણ,
પળેપળ મારી આંગળીઓ કવિતા રચે છે
રસોડામાં ગોઠવેલ ગેસની સગડી પર
ને ઝાડુ-પોતાથી ઘરની ફર્શ પર
કપડા પર પડતા ધોકાના ધબ….ધબ…..
અવાજમાં
આખીયે નિચોવાઈ જાઉં છું
ને પછી,
સૂકવવા મૂકું છું જાતને
તડકામાં
ઘરના ખૂણેખૂણામાં ફરી વળતી મારી
આંગળીઓ
કવિતા રચતાં-રચતાં થાકી જાય છે
ત્યારે
સુકાઈ ગયેલી મારી જાતની ગડી વાળીને
ગોઠવું છું-
કબાટમાં
હાંફ ઉપર હાંફના ખડકલા કરીને
એકાંતના અંધારામાં
બે-ઘડી નિરાંતનો શ્વાસ લેવા મથું છું
ત્યાં તો,
હાથમાં પ્રકાશપીંછી લઈને ઊભેલો
સૂરજ
બારણે ટકોરા દઈને મને જગાડે છે
ફરીથી કવિતા રચવા
ને ફરીથી, ઉત્સાહ સાથે હું ખૂંપી જાઉં છું
જન્મથી માંડીને મૃત્યુ લગી
કંઈ કેટલીયે કવિતા રચતી રહું છું..
પરંતુ
જીવનપર્યંત મારી એકપણ કવિતાની
નોંધ સુદ્ધાં નથી લેવાતી.
શું ખરેખર જગતમાં શબ્દનો જ
મહિમા હશે…..??