પપ્પા તો છે જ ને ..
હતા મારા જન્મ પર
બધા ઉત્સાહી ને..,
એક ખુણામાં ચુપચાપ
ઉભા હતા એ..,
અદબ વાળીને,
બધાએ માત્ર વહાલ કર્યું
ને જે દવાખાનાના બીલ
બાકી હતા તેમાં...,
પપ્પા તો છે જ ને...
પેટ ઘસીને ભાંખોડીયા
ભરતા થયો હું,
અથડાયો ઘડાયો,
કેટકેટલી વાર હું ઘરમાં,
પા પા પગલી ભરતાં
ડર લાગે, પણ...
પડીશ તો ચિંતા નહોતી,
કેમ કે...
પપ્પા તો છે જ ને...
યાદ છે નિશાળનો
પહેલો દિવસ...
જ્યારે રડયો હતો હું,
પોક મુકીને...
શાળાના દરવાજે,
ડરી ગયો હું..,
આ ચોપડીઓના
જંગલમાં,
પણ ખબર હતી કે,
હાથ પકડનાર...
પપ્પા તો છે જ ને...
સ્લેટ માં લખતો હતો હું
જિંદગીના પાઠ રોજ,
ને ભુંસતો સુધારતો
હું ભુલો,
જો નહીં સુધરે ભુલો,
ને નહીં ઉકલે આંટીઘૂંટી
તો એ બધું ઉકેલવા,
પપ્પા તો છે જ ને..
પહેલી સાઇકલ, સ્કૂટર
ને પહેલી ગાડીમાં
સ્ટીયરિંગ પકડીને
જોડે દોડ્યા હતા એ,
જો લપસી જઈશ હું
આ જિંદગીના રસ્તાઓ
પર ક્યાંક તો...,
હાથ પકડવા
પપ્પા તો છે જ ને...
તું ભણ ને બાકી હું
ફોડી લઈશ
આ ડાયલોગ પર
આખું ભણતર પુરું કર્યું,
ચોપડા, કપડાં ને
પોકેટ મની ટાઈમસર
આવતા ને ફી ભરવા માટે
પપ્પા તો છે જ ને...
કોઈ કરકસર કે કચાશ
ના કરી મને સારો માણસ
બનાવવામાં જેમણે,
હારી જઉં તો હાથ
પકડીને ઉભો કરી
ફરી તૈયાર કરવામાં
પપ્પા તો છે જ ને...
નોકરી પછી લગ્ન ને
પછી મારું ઘર કરવામાં
જેમણે કદી પાછું વળીને
ના જોયું,
કંઈ ખુટી પડશે તો
હું લઈ આવીશ એવી
હૈયાધારણ આપવાવાળા
પપ્પા તો છે જ ને...
જેમણે મને મોટો કર્યો
કોઈ પણ ક્ષોભ વિના,
ને વિતાવ્યું આખું
આયખું એમનું,
તો પણ હજી કંઈ થાય,
તો આવીને મને કહેતા..,
તું મુંજાતો નહીં..,
તારા પપ્પા તો છે જ ને
હાર્યો કેટલીય વાર
જિંદગીના દાવ પેચમાં,
ને રમ્યો બમણું હું,
જુગારી કેટલાય ખેલમાં,
તોય સતત મને જીતાડવા
મથતા ને..,
થાય કંઈ પણ...,
મને તો એક જ નિરાંત
કે.....,
પપ્પા તો છે જ ને...